વડોદરા : વડોદરા શહેરમાં આવેલ રાષ્ટ્રીયકૃત બેન્ક પૈકીની એક એવી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા પાંચમી ઓક્ટોબરના રોજ એક દિવસીય હડતાળ પાડીને કામકાજથી અળગા રહયા હતા. વડોદરાના નામાંકિત અને ભાગેડુ ફુલેકાબાજ સાંડેસરા અને ભટ્ટનાગર પરિવાર તથા નીલકંઠ જવેલર્સ જેવા ઉદ્યોગપતિઓએ કરોડોની લોનો લઈને પરત ન કરી શહેરની બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની બેન્કોને આર્થિક મુસીબતમાં મૂકી દીધી હતી.  

આ ફુલેકાબાજોને કારણે બેન્ક દ્વારા પ્રિમયમ ઇસુએ લાવવામાં આવ્યો હતો. જેમાં ૧૦ રૂપિયાના શેરને પ્રજાને ૭૦ રૂપિયે ઑફર કરીને પ્રીમિયમ ઉઘરાવવામાં આવ્યું હતું. આ ભરણાને છલકાવવાને માટે બેન્ક દ્વારા કર્મચારીઓને વ્યાજે લોન આપીને શેર લેવડાવવામાં આવ્યા હતા. આ શેરના પ્રિમિયમની રકમ બેન્ક મેનેજમેન્ટ દ્વારા ફુલેકાબાજોને કારણે થયેલી ખોટને સરભર કરવાને માટે વાપરી નાખવામાં આવી હતી. આને કારણે બેન્કના શેરના ભાવ એના મૂળ પ્રિમયમ સાથેના ભાવ કરતા અડધા થઇ ગયા હતા. આને લઈને બેન્કમાંથી લોન લઈને પ્રિમયમ શેર લેનાર બેન્કના કર્મચારીઓની કફોડી સ્થિતિ બની ગઈ હતી. એક તરફ વ્યાજે લીધેલ લોનના હાંફતા કપાય છે. બીજી તરફ બેંકે પરાણે લોન આપીને પધરાવેલા શેરમાં ખોટને લઈને તેઓ આર્થિક કંગાળ હાલતમાં મુકાઈ ગયા છે.

 આ બાબત અને અન્ય પડતર પ્રશ્નોને લઈને બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા અપાયેલા પાંચમી ઓક્ટોબરના એક દિવસીય હડતાળના એલાનને સંપૂર્ણ સફળતા મળવા પામી છે. આ હડતાળ અંગે બેન્કના યુનિયનના અગ્રણીઓ ડી.એલ.વ્યાસ અને રઘુબીર પટેલે જણાવ્યું હતું કે, વડોદરા ઝોનના ક્લેરિકલ કક્ષાના અને સબ સ્ટાફ કક્ષાના તમામ કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા હતા. તેઓએ એકત્ર થઈને પોસ્ટર માર્ચ કરીને દેખાવો યોજી બેન્ક મેનેજમેન્ટ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં બેન્ક મેનેજમેન્ટ દ્વારા બહુમતીના જોરે શેર પ્રિમયમ ફંડને સંચિત ખોટ સામે સરભર કરવાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આઉટ સોર્સીંગથી બેન્કનું કામકાજ કરાવવાની નીતિ, ભરતીમાં વિલંબ, ઉપરાંત બેન્કની આંતરિક સુવિધાઓ અને કર્મચારીઓને અપાતી સવલતોમાં કાપ અને વિલંબને લઈને સફળ હડતાળ પાડી કામદારોનો અવાજ રજુ કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓની હડતાળ સફળ રહી હોવાનું યુનિયન અગ્રણીઓએ ઉમેર્યું હતું. આ હડતાળ પછીથી પણ જો મેનેજમેન્ટ પડતર પ્રશ્નોને લઈને કોઈ નિરાકરણ લાવવામાં આવશે નહિ તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન આપવામાં આવશે. એવી ચીમકી ઉચ્ચારી હતી.