આણંદ : આણંદ શહેરની બોરસદ ચોકડીએ નજીક આવેલી ઐદ્યોગિક વસાહતમાં રવિવારે રાત્રીના તાપણું કરી ભેગાં બેઠેલાં મિત્રો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયાં પછી એકને ઢોર માર મારીને ગળુ દબાવી હત્યા કરી નાખવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે શહેર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાઓને ઝડપી લીધાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજના કારણે માત્ર ૨૪ કલાકમાં જ પોલીસ હત્યારાઓ સુધી પહોંચી ગઈ હતી. 

પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, આણંદ શહેરની બોરસદ આવેલી એકતાનગર ઝુંપડપટ્ટીમાં રહેતો પ્રકાશ અરવિંદભાઈ વસાવા (ઉ.૨૨) નજીકમાં આવેલી ઔદ્યોગિક વસાહતમાં તેલની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. રવિવારે રાત્રીના પોણા દસ વાગ્યાના સુમારે ગેટ નંબર ચારથી અંદર જતાં ત્યાં આવેલાં ભારત ગેસના ગોડાઉન નજીક ચારથી પાંચ જેટલાં મિત્રો તાપણું કરીને તાપતા હતા. દરમિયાન અપશબ્દો બોલવાની બાબતે તકરાર થઈ હતી. જેને લઈને પ્રકાશ વસાવાને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ એક શખસે પ્રકાશનું ગળુ દબાવી દેતાં ગંભીર હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. ઘટનાની જાણ પરિવારનેે થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં અને પ્રકાશ વસાવાને સારવાર માટે આણંદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે શહેર પોલીસને જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સમગ્ર બનાવની માહિતી મેળવીને લાશને પીએમ માટે આણંદની જનરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી.

પ્રકાશના ઉત્તરાયણ બાદ લગ્ન લેવાના હતાં

સૂત્રોના જણાવ્યાં અનુસાર મૃતક પ્રકાશ વસાવા અરપરિણીત હતો અને આગામી ઉત્તરાયણ બાદ તેનાં લગ્ન લેવાના હતા. એ પહેલાં જ તેની સાથે ફેક્ટરીમાં કામ કરતા મિત્રોએ અપશબ્દો બોલવા જેવી નજીવી બાબતે તેની હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઈ છે.

હત્યાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ!

શહેર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એવું કહેવાય છે કે, આખી ઘટના નજીકના સીસીટીવીમાં ઝડપાઈ હતી. સીસીટીવીને આધારે પોલીસે હત્યામાં સામેલ ચારથી પાંચ જેટલાં શખસોને વિવિધ સ્થળોએ દરોડાઓ પાડીને રાઉન્ડ અપ કરી લીધાં હતાં. આરોપીઓનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાયાં પછી વિધિવત ધરપકડ કરવામાં આવશે, તેવું જાણવા મળ્યું છે.