નવી દિલ્હી 

રમતમાં ખેલાડીની સુરક્ષા અંગે અનેક પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે. ટી20 ક્રિકેટની આગામી સિઝનમાં બોલર હેલ્મેટ પહેરીને બોલિંગ કરતા જોવા મળશે. ઈંગ્લિશ કાઉન્ટી ટીમ યોર્કશાયરનો ફાસ્ટ બોલર બેન કોડ હેલમેટની ડિઝાઈન તૈયાર કરી રહ્યો છે.

થોડા દિવસો અગાઉ ભારત-એ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં જસપ્રીત બુમરાહના શોટ પર ફાસ્ટ બોલર કેમરુન ગ્રીન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ન્યૂઝીલેન્ડની ઘરેલુ ટૂર્નામેન્ટમાં અનેક બોલર પહેલાથી જ હેલમેટ પહેરી રહ્યા છે. જોકે, બોલરો માટે તે વધુ ઉપયોગી નથી.

2017માં ઈંગ્લિશ કાઉન્ટીની મેચમાં વોર્કશાયર વિરુદ્ધ નોટિંઘમશાયરનો બોલર લ્યૂક ફ્લેચરના માથા પર સેમ હેનનો શોટ વાગ્યો હતો. આ કારણે તે આખી સિઝન માટે બહાર થઈ ગયો અને છ મહિના સુધી ગાડી ચલાવી શક્યો ન હતો. તેણે તેના અંગે એક આખું પુસ્તક લખ્યું છે.

તેણે કહ્યું કે, તમે જ્યારે બોલિંગ કરતીને પિચ પર છ યાર્ડ સુધી પહોંચો છો ત્યારે તમે બેટ્સમેનથી માત્ર 10 યાર્ડ દૂર રહો છો. આ સ્થિતિમાં નવો બોલ અને ભારે ભરખમ બેટના શોટથી બચવું મુશ્કેલ હોય છે.

12 વર્ષથી કાઉન્ટી રમતા 32 વર્ષના ફ્લેચરે કહ્યું કે, ‘આજે બેટ્સમેન વધુ મજબૂત થઈ ગયા છે. બેટ્સમેન જેટલી તાકાત સાથે શોટ રમે છે, તે અગાઉથી ઘણી વધુ છે. આગામી એક વર્ષમાં તે ક્યાં પહોંચશે તેનો અંદાજ લગાવી શકાય એમ નથી. હું નસીબદાર છું કે મને ગંભીર ઈજા થઈ નહીં.’

કોડે કહ્યું કે, લૉકડાઉન દરમિયાન મેં હેલમેટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. હું ઈજાગ્રસ્ત થવાને બદલે સુરક્ષાની વ્યવસ્થા સાથે મેચ રમવા માગીશ. હોકીનું હેલમેટ આપણો સંપૂર્ણ બચાવ કરતું નથી. કોડ અને ફ્લેચરની જેમ અનેક બોલરો ટી20 દરમિયાન નેટ પર બોલિંગ કરતા નથી. જેથી તેઓ જોખમથી બચી શકે. ટી20 આવ્યા પછી ખેલાડીઓની સ્ટાઈલમાં પણ પરિવર્તન આવ્યું છે.

ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવા અંગે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે, ઓન ફીલ્ડ સેફ્ટીના નિયમ અંગે સમીક્ષા કરવી જોઈએ. તેમાં બેટિંગ ટેક્નીકની સાથે બેટ્સમેન, બોલર અને અમ્પાયરને પણ ધ્યાનમાં રાખવા જોઈએ’.