વડોદરા : શહેરના ખંડેરાવ માર્કેટ વેરાઈ માતાના ચોક વિસ્તારમાં આવેલ ફ્રૂટની દુકાનમાં એક અઠવાડિયા પૂર્વે જ નોકરીએ લાગેલ ૧૮ વર્ષીય યુવાન ઓપન લીફટમાં ફ્રૂટના બોક્સ ચઢાવતી વખતે તે લીફટમાં દીવાલ સાથે અથડાતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે દોડી આવેલા પરિવારજનોએ ફ્રૂટના વેપારી સામે લાપરવાહીના આક્ષેપો કર્યા હતા. નવાપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર દંતેશ્વર ભરવાડ વાસ સંતોષ વાડી પાસે રહેતો કનુ કાવાભાઈ ભરવાડ (ઉં.વ.૧૮) છેલ્લા એક અઠવાડિયાથી શહેરના ખંડેરાવ શાકમાર્કેટ વેરાઈ માતાના ચોક વિસ્તારમાં આવેલ આર.આર.ફ્રૂટના નામની દુકાનમાં નોકરી કરતો હતો. દુકાનના માલિકે તેને ઓપન લીફટમાં ફ્રૂટના બોક્સો દુકાનના ત્રીજા માળે બનાવેલ ગોડાઉનના રૂમમાં મુકવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેથી તે આજે ઓપન લીફટમાં ફ્રૂટના બોક્સો ઉપર ચઢાવવાની કામગીરી કરતો હતો. ફ્રૂટના બોક્સોની સાથે એ પણ લીફટમાં ઊભો રહીને જતો-આવતો હતો.

બપોરના સમયે તે ઓપન લીફટમાં ફ્રૂટના બોક્સો મુકીને લીફટની સાઈડમાં ઊભો રહીને ઉપલા માળે જતો હતો, તે વખતે તેનું માથું દીવાલની છત સાથે અથડાયું હતું, જેથી તે લીફટ અને છતની વચ્ચે સેન્ડવીચ બની જતાં ગંભીર રીતે ઘાયલ થવાની સાથે ઘટનાસ્થળે પર જ મોતને ભેટયો હતો. આ કરુણ ઘટનાની જાણ થતાં વેપારીએ સારવાર માટે એમ્બયુલન્સ મારફત સયાજી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જાે કે, તબીબે તેને મૃત જાહેર કરતાં આ બનાવની જાણ નવાપુરા પોલીસ મથક અને પરિવારજનોને કરવામાં આવી હતી. જેથી પોલીસ અને પરિવારજનો બંને સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં મૃતક કનુ ભરવાડના ભત્રીજા ગોવિંદભાઈએ ફ્રૂટના વેપારીએ સેફટી વગર કામ કરાવતાં હોવાના આક્ષેપો કર્યા હતા અને બનાવની તટસ્થ તપાસની માગણી કરી હતી.