દિલ્હી-

બ્રાઝિલમાં 176 કબીલાના 6000થી વધુ આદિવાસી ઈતિહાસમાં પહેલીવાર રાજધાની બ્રાઝિલિયાના રસ્તા પર ઉતરી પડ્યા છે. તેઓ ધનુષ-બાણ લઈને સુપ્રીમ કોર્ટ બહાર ભેગા થયા છે અને પરંપરાગત વેશભૂષામાં જ નાચગાન કરીને દેખાવો કરી રહ્યા છે. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટમાં ભૂમિ અધિકાર સાથે સંકળાયેલા મામલે સુનાવણી ચાલી રહી છે. આદિવાસીઓને સંરક્ષિત જમીન પર અધિકાર ખતમ થવાનો ડર સતાવી રહ્યો છે. પર્યાવરણપ્રેમીઓનું માનવું છે કે, કોર્ટ સરકારના પક્ષમાં નિર્ણય આપી શકે છે. જો એવું થશે તો તેની અસર આશરે 230 બીજા પેન્ડિંગ કેસ પર પણ પડશે. આદિવાસીઓનું કહેવું છે કે, વેપારી જૂથો અમારી જમીનોનો ઉપયોગ ખાણો અને ઔદ્યોગિક ખેતી માટે કરવા ઈચ્છે છે. પટાક્સો આદિવાસી જૂથના 32 વર્ષીય વડા સ્યરાટા કહે છે કે, બોલ્સોનારાની સરકાર બધી બાજુથી અમારું શોષણ કરે છે. આજે સમગ્ર માનવતા એમેઝોનના વરસાદી જંગલોને સંરક્ષિત કરવાની માંગ કરે છે, પરંતુ સરકાર દુનિયાના ફેફસાં, અમારા વર્ષાવનોને સોયાબીનના ખેતરો અને સોનાની ખાણોમાં બદલવા ઈચ્છે છે.