આણંદ, તા. ૫ 

આણંદ જિલ્લામાં કોરોના વકરતો જઈ રહ્યો છે. દરરોજ લગભગ દશથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. શહેરી વિસ્તારો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરી રહ્યો છે. આણંદ શહેરમાં ૩ સહિત આજે જિલ્લામાં વધુ ૯ પોઝિટિવ કેસો નોંધાયા હતાં. આણંદ જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસોથી સરેરાશ દશ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં છે. એક સમય હતો જ્યારે એવું લાગતું હતું કે, આણંદ જિલ્લો ગ્રીનઝોન બનવા જઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, હવે ગામડાંઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેને જાેતાં આગામી દિવસોમાં કેસોની સંખ્યા ત્રણ ડિજિટમાં પહોંચી જાય તો નવાઈ નહીં. આજે આણંદ શહેરમાં ત્રણ, વિદ્યાનગર, વાસણા, ખંભાત, ભરોડા, જેસરવામાં એક-એક કેસો નોંધાયો છે. આજે આવેલાં પોઝિટિવ કેસોમાં સિવિલ કોર્ટની પાછળ સચ બંગલોમાં રહેતાં ૬૭ વર્ષના વૃદ્ધ, સરદારગંજની પાછળ આવેલી સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતાં ૮૪ વર્ષના વૃદ્ધાં, વિદ્યાનગર રોડની સૂર્યવંશી સોસાયટીમાં રહેતાં ૩૯ વર્ષના પુરુષ, ખંભાત તાલુકાના વાસણા ગામે આવેલી સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતાં ૬૦ વર્ષના વૃદ્ધાં, ખંભાતના ફતેહ દરવાજા ખાતે રહેતાં ૫૬ વર્ષના પુરુષ, બોરસદ તાલુકાના સારોલ ગામના વડા તળાવ ખાતે રહેતાં ૩૫ વર્ષના પુરુષ, આણંદ તાલુકાના ભરોડા ગામની મુનદાસની ખડકી ખાતે રહેતાં ૬૬ વર્ષના પુરુષ, પેટલાદ તાલુકાના જેસરવા ગામે રહેતાં ૬૫ વર્ષના પુરુષ અને વિદ્યાનગરની પ્રોફેસર સોસાયટીમાં રહેતાં ૮૧ વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આરોગ્ય વિભાગના સૂત્રોનું કહેવું છે કે, આ તમામ દર્દીઓ પૈકી ૪ દર્દીઓ વડોદરાની હોસ્પિટલ, એક કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ, એક પેટલાદની સિવિલ હોસ્પિટલ, એક આણંદની જનરલ હોસ્પિટલ અને બે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.

ત્રણ દર્દીઓ ઓક્સિજન પર છે, જ્યારે ૬ની હાલત સ્ટેબલ છે. આરોગ્ય, પાલિકા-પંચાયત અને પોલીસની ટીમો દર્દીઓના રહેઠાણના તમામ સ્થળોએ પહોંચી ગઈ હતી. આ વિસ્તારોને સેનિટાઇઝ કરીને વિસ્તારોને સીલ કરી કન્ટેઇન્મેન્ટ ઝોનમાં તબદિલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દર્દીના ઘરના સભ્યોને ક્વોરન્ટીન કરી તેમનાં પર નજર રાખવામાં આવી રહી છે. જરૂર જણાશે તો તેઓના સેમ્પલ પણ લેવામાં આવશે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ આવેલાં દર્દીઓનાં નજીકના સંપર્કના વ્યક્તિઓનાં પણ ટેસ્ટ કરાવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે.

અનલોકમાં ધીમે ધીમે બધું ખુલી રહ્યું છેે ત્યારે સંક્રમણ વધુ વકરે તેવી દહેશત

અનલોક-૩ શરૂ થયું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસો હજુ વધુ કપરાં જાેવાં મળશે. જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ તકેદારી માટે ગાઇડલાઇન હોવા છતાં લોકો તેનો અમલ કરતાં નથી. આજે નવાં આવેલાં કેસ બાદ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટુકડીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં સેનિટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં કેસ નોંધાયા હતાં એ વિસ્તારને સીલ કરી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની પ્રોસેસ હાથ ધરાઈ હતી. આજે આવેલાં વધું નવ કેસને લઈને આરોગ્ય, પોલીસ અને પાલિકાની ટીમો દોડતી થઈ હતી. અનલોકમાં ધીમે ધીમે બધું ખુલી રહ્યું છેે ત્યારે સંક્રમણ વધુ વકરે તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે.