દાહોદ, દાહોદ નગરના બે વેપારીઓને મીસબાંન્ડેડ ખાદ્યપદાર્થ વેચવા માટે નગરપાલિકાએ દંડ ફટકાર્યો છે. ઉપરાંત આ ખાદ્યપદાર્થોના ઉત્પાદકોને પણ ભારે દંડ કરવામાં આવ્યો છે. ફુડ સેફટી ઓફીસર પી.આર. નગરાલાવાલાએ પડાવ રોડ પરની મે. બુરહાની ગ્રેઇન શોપ અને ગડી રોડ પર આવેલી મે. મહેશ ટ્રેડીગ કુ. પર કરેલી આકસ્મિક તપાસમાં ખાદ્યપદાર્થો મીસબાંન્ડેડ જાહેર થતા વેપારીઓને આ દંડ ફટકારવામાં આવ્યો છે.

 દાહોદ નગરપાલિકાના ફુડ સેફ્ટી ઓફીસર નગરાલાવાલાએ શબ્બીરભાઇ રાવતની મે. બુરહાની ગ્રેઇન શોપ ખાતે આકસ્મિક તપાસ કરી હતી. જેમાં ૫૦૦ ગ્રામનું પોહાનું પેકેટ મીસબ્રાન્ડેડ જાહેર થઇ હતી. શબ્બીરભાઇને રૂ. ૩૦૦૦ નો દંડ તેમજ ઉત્પાદક ક્રિશ્ના એગ્રો ફૂડના ભાવીનકુમાર સુથારને રૂ. ૨૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત પ્રકાશકુમાર સહેતાઇની મે. મહેશ ટ્રેડીંગ કુ. ખાતે તપાસ દરમિયાન મહાલક્ષ્મી ચિક્કીનું પેકેટ પણ મીસબ્રાંડેડ જણાઇ હતી. જેથી પ્રકાશકુમારને રૂ. ૩૦૦૦ નો દંડ તેમજ ઉત્પાદક જે.જે. ફુડ પ્રોડ્‌કસના રાજેશકુમાર ઠક્કરને રૂ. ૩૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. દાહોદના એડજયુડીકેટીગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવે દ્વારા આજ રોજ દંડનો આદેશ કરવામાં આવ્યો છે.