વડોદરા, તા.૧૦

ચૈત્રી નવરાત્રીની નવમી એટલે રામ નવમી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મજંયતિ નિમિત્તે શહેરના વિવિધ રામ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોેની ભીડ ઉમટેલી જોવા મળી હતી. બપોરે બાર વાગ્યાના ટકોરે સમગ્ર શહેરમાં “જય શ્રી રામ ”ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યુ હતું. તે સિવાય શ્રીરામની વિરાટ પ્રતિમા સાથે લાખોની જનમેદની સાથે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. શોભાયાત્રામાં વિવિધ નેતાઓ , સાંસદ સહિતના લોકો પણ જાેડાયા હતા.

નૌમના દિવસે માતાજીની આરાધના માટે નો પણ વિશેષ દિવસ માનવામાં આવે છે. વિવિધ માઈ મંદિરોમાં પણ ભક્તોની ભીડ સાથે નવચંડીના યજ્ઞ અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મ દિવસને હિન્દુ એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.હિન્દુ ધર્મમાં બે ગ્રંથનું સૌથી વધારે મહત્વ છે. એક ભગવદ ગીતા અને રામાયણ. રામાયણમાં એક ઉક્તિમાં કહ્યા અનુસાર “ બડે ભાગ માનુષ તન પાવા” તેથી જ પૃથ્વી પર પણ અસુરોના સંહાર માટે ભગવાને પોતે પણ માનવ તરીકે અવતાર લેવો પડયો છે. માટે મનુષ્ય જીવનને સાર્થક કરવો હોય તો ભગવાન શ્રીરામ જેમ જીવન જીવી ગયા તેમ આપણે પણ જીવન જીવવું જાેઈએ. હજારો વર્ષ પૂર્વે ભગવાને અવતાર લીધો હતો. છતાં પણ પ્રતિવર્ષ અદમ્ય ઉત્સાહ સાથે આપણે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉત્સાહભેર અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરીએ છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે રામ નવમીનો તહેવાર ઉજવી ન શક્યા હોવાથી આ વર્ષે ભક્તોમાં ભગવાનના જન્મોત્સવની ઉજવણીનો અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. શહેરના વિવિધ રામ મંદિરોમાં બપોરના ૧રના ટકોરે ભગવાન શ્રીરામનો જયઘોષ ગૂંજી ઊઠયો હતો.

બપોરે ત્રણ કલાકે રણ મુક્તેશ્વર મંદિર ખાતેથી લાખોની જનમેદની સાથે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં લાખોની જનમેદની સાથે બહોળી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા. શોભાયાત્રામાં હનુમાન અને વિવિધ પાંરપારીક વેશભુષા સાથે આવેલ ભક્તો આકર્ષણનું કેેન્દ્ર બન્યા હતા.

સાબરકાંઠા અને ખંભાતમાં થયેલા કોમી છમકલાને પગલે કડક સુરક્ષાનો બંદોબસ્ત

રામનવમીની ઉજવણી સમગ્ર દેશમાં તેમજ રાજ્યભરમાં થાય છે. ત્યારે સાબરકાંઠા અને ખંભાતમાં શોભાયાત્રામાં કોમી છમકલાં થતા શહેરમાં વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ સમગ્ર શોભાયાત્રા દરમ્યાન કડક પોલીસ બંદોબસ્ત લાદવામાં આવ્યો હતો. જેથી સુરક્ષિત અને અડચણ ઉભી ન થાય તે રીતે શોભાયાત્રા નિકળે.