બિજીંગ-

ચીન દ્વારા અનેક પ્રસંગોએ તેમના માટે દમનકારી વલણ દાખવ્યું એ ઓછું હોય એમ, મંગળવારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ચીની બિઝનેસ સાહસિકોની યાદીમાંથી જેક માને બાકાત રાખવામાં આવ્યા છે. દેશની કેટલીક મોટી કંપનીઓની નારાજગી વહોરી લીધા બાદ ઘરમાં જ જેમને નજરકેદ રખાયાની આશંકા સેવાઈ રહી છે એવા આ બિઝનેસક્ષેત્રના માધાંતાને શાંઘાઈના એક સરકારી બિઝનેસ અખબારના મુખપૃષ્ઠ પર સ્થાન પણ નહોતું અપાયું જેમાં ટેક્નોલોજીક્ષેત્રની હસ્તીઓના પ્રદાનની નોંધ લઈને તેમની પ્રશંસા કરવામાં આવી હતી. 

તેને બદલે તેમના કટ્ટર હરીફ મનાતા ટેન્સેન્ટ હોલ્ડીંગ્સના પોની માને મોબાઈલ યુગના ઈતિહાસમાં ધરખમ ફેરફાર લાવનારા ગણાવવામાં આવ્યા હતા. આ અખબારની યાદીમાં આ ઉપરાંત બીવાયડીના સહસ્થાપક વાંગ શાંગફુના નામનો પણ સમાવેશ કરાયો હતો. એટલું જ નહીં પણ શાઓમી કોર્પોરેશનના સહ-સ્થાપક લેઈ જૂનને પણ સમાવાયા હતા. અલીબાબા કંપનીની પાસે જ આવેલું આ બિઝનેસ અખબાર શાંઘાઈ સિક્યુરીટીઝ કોઈ બિઝનેસમેનની નોંધ ન લે એ ખૂબ જ મોટી વાત ગણાય છે. મંગળવારે ટેન્સેન્ટ અને શાઓમીના શેરોમાં બે ટકાનો ઉછાળો જોવાયો હતો. 

જેમની ટીપ્પણીને પગલે એન્ટ કંપનીનો આઈપીઓ માર્કેટમાં સારો પ્રતિસાદ નહોતો મેળવી શક્યો એ જેક મા છેલ્લા કેટલાય મહિનાઓથી ગાયબ રહ્યા હતા અને તેમની હાલત વિશે અનેક અટકળો બાંધવામાં આવી રહી હતી.