બિંજીંગ-

કોરોના મહામારી દરમિયાન પોતાના દેશમાં તેની સ્થિતી અને દેશમાં ઉઈગર મુસ્લીમો બાબતના કથિત ખોટા રીપોર્ટીંગ સામે વાંધો લઈને ચીને પોતાના દેશમાં હવે બીબીસીનું પ્રસારણ રોકી દીધું છે. ચીનનો દાવો છે કે, બીબીસી અયોગ્ય અને અસત્ય પત્રકારત્વ કરી રહ્યું છે. બીબીસીના કોરોનાવાઇરસ મહામારી અને શિનજિયાંગમાં ઉઈગર મુસલમાનોના શોષણ અંગેના અહેવાલોની ચીને આલોચના કરી છે. એક નિવેદનમાં બ્રિટનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ચીનમાં ઇન્ટરનેટ અને મીડિયા પર સૌથી કડક પાબંદી લાદી છે. મંત્રાલયે  નિવેદનમાં કહ્યું કે, ચીનના આ ફેંસલાથી દુનિયા સામે તેની શાખ ઘટી શકે છે.

બ્રિટનમાં દેશભરમાં મિડિયાના પ્રસારણ માટેના નિયામક તરીકેનો નિર્ણય ઓફકોમ નામની સંસ્થા દ્વારા કરાય છે. આ નિયામકે ચીનના સરકારી નિયંત્રણવાળા ચેનલ સીજીટીએનનું પ્રસારણ લાઇસન્સ નિલંબિત કરી દીધું હતું. જ્યારે બીબીસીના એશિયા એડિટરનું કહેવું છે કે, ચીનમાં બીબીસી વર્લ્ડ સર્વિસ ટીવીને પ્રતિબંધિત કરવાની ઝાઝી અસર નહીં થાય, કેમકે ચીનમાં આ ચેનલ મોટાભાગના લોકો માટે પહેલાંથી જ ઉપલબ્ધ નથી. બીબીસી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, અમને એ બાબતનું દુખ છે કે ચીનના પ્રશાસન દ્વારા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. બીબીસી વિશ્વના સૌથી વધુ વિશ્વસનીય  આંતરરાષ્ટ્રીય સમાચાર પ્રસારકોમાંથી એક છે અને દુનિયાભરમાં સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે, નિડર રહીને અને પક્ષપાત કર્યા વગર રિપોર્ટિંગ કરે છે, અને તે પોતાના હેતુને હંમેશા વળગી રહે છે.