ન્યૂ દિલ્હી

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના અંતિમ ક્વાર્ટરમાં મોટી ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાનો એકીકૃત નફો ૭૩ ટકા વધીને ૪૧૨ કરોડ રૂપિયા રહ્યો છે. બજારોમાં મજબૂત વેચાણની પાછળ કંપનીએ આ નફો મેળવ્યો હતો. મુંબઈ સ્થિત કંપનીએ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે તેણે પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૩૮ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. સિપ્લાએ એક નિયમનકારી નોટિસમાં કહ્યું હતું કે તેને ૨૦૧૯-૨૦ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કામગીરીથી કુલ ૪૩૭૬ કરોડની આવક થઈ હતી, જે ૨૦૨૦-૨૦૨૧ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં વધીને રૂ. ૪,૬૦૬ કરોડ થઈ છે.

સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ફાર્માસ્યુટિકલ કંપનીએ રૂ. ૨,૩૮૯ કરોડનો એકીકૃત નફો કર્યો છે. જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. ૧,૫૦૦ કરોડ હતો. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાનના કારોબારમાંથી કુલ ૧૯,૧૬૦ કરોડની આવક મેળવી હતી, જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. ૧૭,૧૩૨ કરોડ હતી.

કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે શેર દીઠ પાંચ રૂપિયા (ફેસ વેલ્યુ બે રૂપિયા) ના દરે અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. બીએસઈ પર તેનો શેર ૯૦૪.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો.