ભરૂચ

ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભાનો વિવાદ ઉભો થતાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા. પાલિકા પ્રમુખે કોરોનાના કારણે સામાન્ય સભા બોલાવવાનો નન્નો ભણી દેતા વિપક્ષે ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપી જનતાસભાની ઘોષણા કરી હતી. જેના પગલે પાલિકા દ્વારા પોલીસ ખડકી દેવાઈ હતી.

ચાર દિવસ સુધી નગરપાલિકા પોલીસ છાવણી બનીને રહી હતી. દરમિયાન ૭૨ કલાક પુરા થયા બાદ વિપક્ષ જનતા સભા માટે પાલિકા કચેરી ખાતે ધસી આવતા પોલીસે તેમને કેમ્પસમાં અટકાવવાનો પ્રયાસ કરતાં સમગ્ર વિવાદ તોફાની બન્યો હતો. પોલીસ સાથેની રકઝક બાદ કોંગ્રેસના આગેવાનો અને નગરસેવકો પાલિકાના કેમ્પસમાં ઘસી આવ્યા હતા. જ્યારે અન્ય લોકોને ના આવવા દેતાં વિપક્ષે પોલીસ સાથે શાબ્દિક ઘર્ષણ થયું હતું.કોરોના મહામારીના લોકડાઉન બાદ સરકારે અનલોક જાહેર કરાયા બાદ પણ લાંબા સમય સુધી નગરપાલિકાની સામાન્ય સભા ન મળતાં વિપક્ષે વિરોધનો સુર ઉઠાવ્યો હતો. પાલિકાના વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદે ૨, નવેમ્બરના રોજ નગરપાલિકા પ્રમુખને સામાન્ય સભા બોલાવવાની રજૂઆત કરી હતી. જેના પગલે પાલિકાએ કોરોના મહામારીના કારણે સભા બોલાવવાનો નન્નો ભણી દીધો હતો. જેની સામે વિપક્ષે ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપી સામાન્ય સભા ન બોલાવાય તો જનતા સભા કરવાની ઘોષણા કરી હતી. જેના પગલે સત્તાધારી પક્ષે ૭૨ કલાક પૂર્ણ થાય એ પહેલાં જ પોલીસ રક્ષણ માંગી લેતા નગરપાલિકા કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી પાલિકા કચેરીમાં પોલીસે ધામા નાંખ્યા હતા. શુક્રવારના રોજ વિપક્ષે જનતા સભા માટેની જાહેરાત કરતાં વહેલી સવારથી જ પાલિકા કચેરી વધુ પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. દરમિયાન વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ, શહેર કોંગ્રેસના પ્રમુખ વીકી શોખી, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી, ઇબ્રાહીમ કલકલ, લાલભાઈ શેખ સહિત કોંગ્રેસના કાઉન્સીલરો અને આગેવાનો લોકોના ટોળા સાથે જનતાસભા માટે પાલિકા કચેરી ખાતે ધસી આવ્યા હતા. જેમને અગાઉથી જ તૈનાત કરાયેલી પોલીસે કચેરીના કેમ્પસમાં આવતા જ વિપક્ષ ગરમાયો હતો. જોકે પોલીસે નગરસેવક અને આગેવાનો સિવાય અન્ય લોકોને પ્રવેશ ન આપતા વિપક્ષે પાલિકા તંત્ર અને પોલીસ વિરૂધ્ધ નારાબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો.

લાઠીવાદીઓની સામે ગાંધીવાદી બનીને લડીશું સમશાદઅલી સૈયદ

નગરપાલિકામાં જુલાઈ મહિનામાં ૧.૨૦ કરોડની ગ્રાન્ટ આવી હતી. આ ગ્રાન્ટ ધૂળ ખાતી હતી. શહેરના હકમાં વિકાસના કામોના કોઈ આયોજન થતા ન હતા. આયોજન માટે પાલિકાના દર ત્રણ મહિના માટે સામાન્ય સભા બોલાવવી જોઇએ તે પણ બોલાવાતી ન હતી. વિપક્ષે સામાન્ય સભાનો આગ્રહ રાખતા પાલિકા પ્રમુખે સીધો સર્કયુલર ઠરાવ કરી ૮ કરોડના કામો પાસ કરાવ્યા હતા. જેની સામે વિપક્ષે જનતા સભાનું આયોજન કરતાં અમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

વિપક્ષનો પબ્લિસીટી સ્ટંટ છે સુરભી તમાકુવાલા, પાલિકા પ્રમુખ

વિપક્ષની જનતા સભાને નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલાએ પબ્લિસીટી સ્ટંટ ગણાવ્યો હતો. કોંગ્રેસ વિકાસના કામો કરતી ન હતી અને હવે કરવા દેતી નથી. મિડિયામાં હાઈલાઈટ થવા માટે આ બધા સ્ટંટ થઈ રહ્યા છે તેવો દાવો કર્યો હતો. તેમણે વિવાદિત નિવેદન આપતા જણાવ્યું કે વિરોધ પક્ષ આયોજિત જનતા સભામાં વિરોધ પક્ષના ચૂંટાયેલા ૧૨ સભ્યો પણ હાજર ન હતા એમને એમ પણ જણાવ્યું કે આગામી ચૂંટણી લોકોને દેખાઈ રહી છે તેથી આ બધા સ્ટંટ થઈ રહ્યા છે.