અમદાવાદ-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંજલી રૂપાણી સાથે આજે રવિવારે સવારે પ્રખ્યાત આદ્યશકિત પીઠધામ અંબાજીની મુલાકાત લઈ માતાજીના ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન  કર્યા હતા. મુખ્યમંત્રીએ તાજેતરની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજય બાદ લોકોની અપેક્ષા આકાંક્ષા પૂર્ણ કરવા વધુ જનહિત કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે સૌના મંગલની વાંછના પણ માં અંબાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિવિધ યાત્રા ધામો શ્રદ્ધા આસ્થા કેન્દ્રો અંબાજી, સોમનાથ, પાલીતાણા, દ્વારકા વગેરે જગ્યાએ દર્શનાર્થીઓ ઝડપથી પહોંચી શકે અને દર્શન કરી શકે તેવી સુવિધા ઊભી કરવા માટે આ યાત્રાધામોને હેલિકોપ્ટર સેવા જેવી હવાઈ સેવાથી જોડીને વધુ સારી વ્યવસ્થા ઊભી કરવાનો તાજેતરમાં જ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.