નવી દિલ્હી

પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારા બાદ CNG પણ મોંઘુ થઇ ગયું છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ કહ્યું છે કે મંગળવારે સવારે છ વાગ્યાથી દિલ્હીમાં CNG તમને 42.70ની બદલે 43.40 રૂપિયામાં મળશે. PNG ની કિંમત 28.41 રૂપિયા થશે.

જણાવી દઈએ કે, સોમવારે એલપીજી એટલે કે સિલિન્ડર દીઠ રૂ. 25નો વધુ વધારો થયો હતો. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આપવામાં આવતા સબસિડીવાળા સિલિન્ડર સહિતની તમામ કેટેગરીમાં આ વધારો થયો છે. મહિનામાં ચોથી વાર એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના ભાવ ડેટા દર્શાવે છે કે ફેબ્રુઆરીથી, 14.2 કિલો એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ 112 રૂપિયાનો વધારો થયો છે.

આ સાથે એરક્રાફ્ટ ફ્યુઅલ (એટીએફ) ના ભાવમાં પણ 6.5 ટકાનો વધારો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહ્યા છે. જેનાથી વિમાનનું બળતણ મોંઘું થયું છે. દિલ્હીમાં 14.2 કિલો સિલિન્ડરની કિંમત 794 રૂપિયાથી વધીને 819 રૂપિયા થઈ ગઈ છે. આ વધારો તમામ કેટેગરીમાં કરવામાં આવ્યો છે.

એલપીજીની કિંમત દેશભરમાં સમાન છે. સરકાર પસંદગીના કેટલાક ગ્રાહકોને આ માટે સબસિડી આપે છે. જોકે, મહાનગરો અને મોટા શહેરોમાં કિંમતોમાં સતત વધારા બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં સબસિડી અટકી ગઈ છે. દિલ્હીના ગ્રાહકોને એલપીજી પર કોઈ સબસિડી મળતી નથી. એલપીજી સિલિન્ડરની કિંમત હવે બધા ગ્રાહકો માટે 819 રૂપિયા થઈ ગઈ છે.

આ પહેલા ચાર ફેબ્રુઆરીના રોજ એલપીજીના ભાવમાં 25 રૂપિયા અને 15 ફેબ્રુઆરીના રોજ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 25 ફેબ્રુઆરીના રોજ એલપીજીના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ડિસેમ્બરમાં ઘરેલુ સિલિન્ડર મોંઘો થયો હતો. આ દરમિયાન સિલિન્ડરની કિંમતમાં 175 રૂપિયાનો વધારો થયો હતો.

સતત બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ 91.17 રૂપિયા અને મુંબઇમાં 97.57 રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હીમાં ડીઝલની કિંમત 81.47 રૂપિયા અને મુંબઇમાં 88.60 રૂપિયા છે. ગયા મહિને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયો હતો. આ બંને રાજ્યો ઇંધણ પર સૌથી વધુ વેલ્યુ-એડિડેડ ટેક્સ (વેટ) વસૂલ કરે છે. મુંબઈમાં શનિવારે બ્રાન્ડેડ / પ્રીમિયમ પેટ્રોલ 100 રૂપિયાને વટાવી ગયું. હાલમાં તે લિટર દીઠ 100.35 રૂપિયા પર વેચાઇ રહ્યું છે.