વડોદરા : વડોદરા સરદારધામ ખાતે વિશ્વ પાટીદાર સમાજ ૨૦૨૬ અંતર્ગત વિઝન અને પાંચલક્ષ બિંદુઓ સિદ્ધ કરવા ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે આયોજિત પ્રમોશનલ પ્રોગ્રામમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેર મંચ પરથી ટકોર કરતાં મેયરને કહ્યું હતું કે, માત્ર મિટિંગો નહીં પરંતુ રખડતા ઢોરો અને ભિક્ષુકોના પ્રશ્નો ઉકેલવા કામગીરી કરીને દેખાડો તેમ કહેતાં હોલમાં ઉ૫સ્થિત કેટલાકે તાળિયોનો ગડગડાટ કર્યો હતો. આમ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેના મતભેદો ફરીથી સપાટી પર આવ્યા હતા. તો બીજી તરફ સ્થાનિક જૂથબંધી હવે પ્રદેશ નેતાગીરી સુધી પહોંચી હોવાનું તેમજ પ્રદેશ નેતાગીરી પણ એક પક્ષની તરફેણ કરી રહ્યાની છાપ ઉપસ્થિત થઈ રહી છે.

વિશ્વ પાટીદાર સમાજ મિશન-૨૦૨૬ અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૨ પ્રમોશનલ પ્રોગ્રામ-૫નું વડોદરા સરદારધામ ખાતે આજે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરતાં જણાવ્યું કે, સરદાર પટેલ પર અમને અતુટ શ્રદ્ધા છે જેનું ઉદાહરણ કેવડિયામાં ભાજપની કારોબારી બેઠક કરીએ છીએ. સરદાર પટેલના કહેવા પર લોકોએ પોતાના રજવાડાં પણ છોડી દીધાં હતાં. સરદાર સાહેબે આખા દેશને અખંડિત કરવાનો પ્રયત્ન કર્યો અને એટલે જે સરદાર પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે.

પ્રદેશ પ્રમુખે મેયરને ટકોર કરતાં જણાવ્યું હતું કે તમે યુવાન છો અને સફળ કામગીરી કરશો તેવા ઉદ્દેશથી તમને મેયર બનાવ્યા હતા પરંતુ તમે હવે ધીમી ગતિથી કામ કરી રહ્યા છો. વડોદરા શહેરમાં રખડતા ઢોરો અને ચાર રસ્તા પર ભિક્ષુકોનો પ્રશ્ન ઉકેલી શકતા નથી. રખડતા ઢોરનો પ્રશ્ન હોય કે ભિક્ષુકોનો પ્રશ્ન હોય કે પછી પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં મિટિંગો બંધ કરો અને સફળતાપૂર્વક કામગીરી કરીને દેખાડો તે જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે સુરતમાં રખડતા ઢોરનો પ્રશ્ન હોય કે ભિક્ષુકોનો પ્રશ્ન હોય તેને ઉકેલવામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને સફળતા મેળવી છે. સુરતમાં ભિક્ષુકો માટે રેનબસેરા બનાવ્યા છે ત્યાં રાખવામાં આવે છે. વડોદરામાં રેનબસેરા બનાવ્યા હોવા છતાં ત્યાં તેઓને રાખવામાં આવતા નથી અને ચાર રસ્તા પર ભિક્ષુકો ભીખ માંગતા દેખાય છે. પ્રદેશ પ્રમુખે ટીકા કરતા જણાવ્યું કે વડોદરામાં રખડતા ઢોરના મુદ્દે મને પણ કેટલાક લોકો ફોન કરતા હોય છે હવે ફરી મારે જ્યારે વડોદરામાં આવવાનું થાય તે પહેલા આવા પ્રશ્નોનો ઉકેલ લાવશો એવી આશા રાખું છું. જાે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના આ જાહેર નિવેદનનો પક્ષના જ એક જૂથ દ્વારા તાળિઓના ગડગડાટથી વધાવી લેવામાં આવતાં સી.આર.પાટીલ કોઈએ તેમના મોઢામાં મુકેલા શબ્દો જ બોલી રહ્યા હોવાની છાપ ઊભી થઈ હોવાની ચર્ચાએ ભાજપામાં જ ચરુ ઉકળ્યો છે અને પ્રદેશ અધ્યક્ષ જેવા નેતા સ્થાનિક કક્ષાએ ચાલતા જૂથવાદમાં એક જૂથના હાથા તરીકેનું વલણ લે તે અંગે ટીકાઓ શરૂ થઈ છે.

સી.આર.૫ાટીલને રોકડું પરખાવતાં રોકડિયા

રખડતાં ઢોરો સંદર્ભે ગુજરાતમાં સૌથી સારી કામગીરી વડોદરા કોર્પોરેશને કરી છે ઃ મેયર

વડોદરાના મેયર કેયુર રોકડિયાએ આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખની સૂચના ને ધ્યાનમાં રાખીને અમે અગાઉથીજ રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે જેમાં તા.૪ થી શરૂ કરાયેલ કામગીરીમાં અત્યાર ુસુધી ૬૯૦ થી વધુ રખડતા ઢોરો પકડવામાં આવ્યા છે. જે પૈકી ૬૨૩ને જુદી જુદી પાંજરાપોળમાં શીફ્ટ કરવામાં આવ્યા છે.ઉપરાંત ૪૩૦૦ ડેટલા પશુઓનુ ટેગીંગ કરવામાં આવ્યુ છે. જ્યારે રખડતા ઢોર સંદર્ઙે ૨૮ જેટલી ફરીયાદો કરવામાં આવી છે. તેમજ રસ્તે રખડતી પકડાયેલ ગાયો પૈકી ૫૩ ગાયોને રૂા.૧.૯૭ લાખનો દંડ વસૂલીને છોડવામાં આવી છે.આમ ગુજરાતમાં રખડતા ઢોરોના પ્રશ્ને વડોદરાએ સૌથી સારી કામગીરી કરી છે.પાલિકા દ્વારા આગામી દિવસમાં ભિક્ષુકોને રેન બસેરા માં રાખવાની પણ શરૂઆત કરવામાં આવનાર છે આ અંગે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે.

મેયરે રાજીનામું આપી દેવું જાેઈએ -વિપક્ષ

પાલિકામાં વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યુ હતુ કે,ભારતીય જનતાના પક્ષ પ્રમુખ સી આર પાટીલે જાહેરમાં કહ્યું કે વડોદરા મેયર કામગીરી માં નિષ્ફળ નિવડ્યા છે.પાટીલને ખબર છે કે ૨૫ વર્ષથી ભાજપનું શાસન છે.વડોદરા કોર્પોરેશનનો નિષ્ફળ ગયેલો વહીવટ ની સૌ કોઈને ખબર છે..તો હોંશિયાર પાટીલે યુવાન મેયર નું રાજીનામું લઈ લેવું જાેઈએ..અને વડોદરા ની માથે થોપી દીધેલા નિષ્ફળ મેયરની જગ્યાએ બીજા સક્રિય ની નિમણુંક કરવી જાેઈએ.અને મેયરે પણ આત્મસન્માન અને પ્રમુખે કરેલ ઇશારો સમજી ને રાજીનામું આપી દેવું જાેઈએ.

યુનિ.ભરતી કૌભાંડમાં ખોટું થયું હશે તો પગલાં લેવાશે

એમ.એસ.યુનિવર્સિટીના ભરતી કૌભાંડ મામલે છેલ્લા કેટલાક દિવસ થી સત્તાધારી ગૃપનાજ બે જૂથોમાં આક્ષેપો થઈ રહ્યા છે.આ સંદર્ભે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ પત્ર લખીને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. ત્યારે આજે વડોદરા આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે,ભરતીમાં પારદર્શિતા હોંવી જરૂરી છે. તપાસ દરમિયાન કોઈ ખોટુ થયાનુ જણાશે તો કોઈ પણ વ્યક્તી હશે તેના પર પગલા લેવાશે.