દિલ્હી-

દુનિયા ભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા થોડા સમયથી કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૨૪ લાખની નજીક પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૬૯૯૯ કેસ નોંધાતા કુલ કેસ ૨૩૯૬૬૩૭ થઈ ગયા છે. આ પહેલાં બુધવારે પણ કોરોનાના ૬૦૬૩૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા અને ૮૩૪ દર્દીઓના મોત નિપજ્યા હતા. આમ છેલ્લા ૪૮ કલાકમાં દેશમાં કુલ ૧૨૭૯૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ૧૭૭૬ દર્દીઓના મોત નિપજ્યા છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૬૩૮૩ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧૬૯૫૯૮૨ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં કુલ ૨,૬૮,૪૫,૬૮૮ સેમ્પલ ટેસ્ટ થયા છે. જેમાંથી ૮,૩૦,૩૯૧ નમૂનાનું પરિક્ષણ ગઈ કાલે કરાયું હતું. જાે કે રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં ઘટાડો થયો છે. મૃત્યુદર ઘટીને ૧.૯૬% થયો છે. આ સાથે જ રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર પણ ૭૦.૭૬% થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૨ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૪૭૦૩૩ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૬૫૩૬૨૨ એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે ૫૪૮૩૧૩ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે ૧૮૬૫૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૩૧૪૫૨૦ કેસ નોંધાઈ ચૂકયા છે જેમાંથી ૫૨૭૮ લોકો કાળનો કોળિયો બની ગયા છે. કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્ર પ્રદેશમાં ૨૫૪૧૪૬ કેસ નોંધાયા છે જ્યારે ૨૨૯૬ લોકો મોતને ભેટ્યા છે.

ત્યારબાદ કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૧૯૬૪૯૪ કેસ નોંધાયા છે જ્યારે ૩૫૧૦ લોકોના મોત થયા છે. ત્યારબાદ પાંચમાં સ્થાન પર દિલ્હીમાં ૧૪૮૫૦૪ કેસ નોંધાયા છે જ્યારે ૪૧૫૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ ૧૩૬૨૩૮ કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે ૧૦૪૩૨૬ કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. જ્યારે બિહાર આ યાદીમાં આઠમાં ક્રમ પર છે જ્યાં ૯૦૩૨૧ લોકો સંક્રમણમાં આવ્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૦૬૨૦૭૦૧ કેસ નોંધાઈ ચૂક્્યા છે. જેમાંથી ૭૪૯૩૫૮ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૨૮૨૬૯૦૧ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૧૨૮૨૬૯૦૧ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.