બાલાસિનોર, તા.૧૪ 

બાલાસિનોર સહિત મહિસાગર જિલ્લામાં કોરોનાની મહામારી હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ગઈકાલે એક દિવસમાં ૯ કેસો પોઝિટિવ આવતાં બાલાસિનોર સહિત મહિસાગર જિલ્લામાં ખડભડાટ મચી ગયો છે. બાલાસિનોરમાં સોમવારે મોડી રાત્રે કોરોનાના ૯ પોઝિટિવ કેસો નોંધાતા જિલ્લાના કોરોના વાઇરસના દર્દીઓનો આંકડો ૧૯૯ એટલે કે બેવડી સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે બાલાસિનોરના ૯ પૈકી કાઠીયાવાડ વિસ્તારમાં ૪ દર્દીઓ સંક્રમિત નોંધાયા હતાં, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સામેલ છે. અંબિકા સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, દ્વારકેશ સોસાયટી, દેવશેરીમાં એક એક કેસ પોઝિટિવ દર્દીઓ મળી આવતાં તંત્ર દોડતું થયું છે.

૪૩ સારવાર હેઠળ, ૧૪૬ ડિસ્ચાર્જ

બાલાસિનોરમાં ઊભી કરવામાં આવેલી કવિડ-૧૯ હોસ્પિટલમાં કુલ ૩૫ કોરોનાથી સંક્રમિત દર્દીઓ સારવાર મેળવી રહ્યાં છે, જ્યારે બીજા ૭ જેટલાં દર્દીઓ બહાર અન્ય હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે. ૧૪૬ દર્દીઓ સાજા થઇ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.

કન્ટેનમેન્ટ ઝોનમાં પણ નગરજનોની અવરજવર બંધ નથી થતી

બાલાસિનોરમાં એક બાજુ કોરોના જેવાં જીવલેણ વાઇરસ પોતાનો પ્રકોપ બતાવી રહ્યું છે ત્યારે બાલાસિનોર મોટાભાગના કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતાં નાગરિકો બેફિકર થઈ બજારમાં ફરતા જાેવાં મળી રહ્યાં છે, જેને કારણે અન્ય નગરજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

એમજીવીસીએલના લાઇનમેન કોરોના પોઝિટિવ આવ્યો

બાલાસિનોરના મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં લાઇનમાં તરીકે ફરજ બજાવતાં ૪૧ વર્ષના કર્મચારી કોરોના સંક્રમણનો ભોગ બનતાં તેની સાથેના સાથી કર્મચારીઓ અને ઓફિસ સ્ટાફમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

શાકભાજીનો ધંધો કરતાં એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ!

કાઠીયાવાડી વિસ્તારમાં રહેતાં અને બસ સ્ટેશન નજીક શાકભાજીનો ધંધો કરતાં વેપારી સહિત તેમનાં પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર વિસ્તારમાં તેમનીે દુકાને શાકભાજી લેવા આવતાં ગ્રાહકોમાં પણ કોરોના પોઝિટિવને લઈ ફફડાટ ફેલાયો છે.

પાલિકા દ્વારા કન્ટેન્મેન્ટ ઝોનમાં સેનિટાઇઝ કરાયું

બાલાસિનોરમાં એક જ દિવસમાં કોરોના સંક્રમિત ૯ અલગ અલગ વિસ્તારના નગરજનોના કેસ પોઝિટિવ આવતાં નગરપાલિકા દ્વારા તમામ કન્ટેન્મેન્ટ ઝોનમાં સેનિટાઇઝરનો છંટકાવ શરૂ કરી વિસ્તારોને સીલ કરવામાં આવ્યાં છે.