મુંબઇ 

બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આઇકોનિક સ્ટાર સૌમિત્રા ચેટર્જી કોરોના પોઝિટિવ છે. એક્ટર મંગળવારથી કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં એડમિટ છે. 85 વર્ષીય સૌમિત્રાની તબિયત વધુ બગડી જતા તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા. હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે, મિસ્ટર ચેટર્જીને થાક લાગતો હતો અને તેઓને પેરાસોમનિયાને કારણે ઊંઘમાં તકલીફ પડતી હતી. તેથી તેમને ICUમાં સતત સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ સિવાય તેમને અન્ય બીમારીઓ પણ છે માટે વધુ કાળજી રાખવાની છે.

ચેટર્જી થોડા દિવસથી મજામાં ન હતા અને તેમને હળવો તાવ સિવાય અન્ય કોઈ લક્ષણ ન હતા. તેઓ 'અભિજાન' નામની ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કરી રહ્યા હતા. 1 ઓક્ટોબરે ભારતલક્ષ્મી સ્ટુડિયોમાં શૂટિંગ કર્યા બાદ તેમનું આગામી શૂટિંગ શેડ્યુઅલ 7 ઓક્ટોબરે હતું.

બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્રા ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા છે. સત્યજીત રે અને સૌમિત્રા ચેટર્જીએ સાથે 14 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 1959માં ડેબ્યુ પણ સત્યજીત રેની ફિલ્મ 'અપૂર સંસાર'થી કર્યું હતું. આ સિવાય તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા.

લેજન્ડરી એક્ટર સૌમિત્રા ચેટર્જી બંગાળી સિનેમા જગતના અન્ય મહાન ફિલ્મમેકર્સ સાથે પણ કામ કરી ચૂક્યા છે. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ 'સાંજબાતી'માં દેખાયા હતા.

સૌમિત્રા ચેટર્જી ત્રણ વખત તેમના પર્ફોમન્સ માટે નેશનલ અવોર્ડ જીતી ચૂક્યા છે. આ સિવાય તેમને પદ્મ ભૂષણ અવોર્ડ પણ સરકાર તરફથી એનાયત કરવામાં આવ્યો છે. સંગીત નાટક એકેડમી ટાગોર રત્ન ઉપરાંત 2012માં દાદાસાહેબ ફાળકે અવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.