ફ્રાંસ

ફ્રાંસમાં કોરોનાની ત્રીજી લહેરને પગલે સરકાર દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવા મજબૂર થઈ છે. રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંએ બુધવારે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. મૈક્રોંએ કહ્યું હતું કે, કોવિડ-19 સંક્રમણની ત્રીજી લહેરને પાછી ધકેલવામાં મદદ મળે તે માટે 3 સપ્તાહ સુધી શાળાઓ બંધ રાખવામાં આવશે નહીં તો ત્રીજી લહેર હોસ્પિટલ્સ પર પણ ભારે પડી જશે. મૈક્રોંએ કહ્યું હતું કે, જો આપણે અત્યારે મજબૂત પગલા નહીં ભરીએ તો કોરોના પરનું નિયંત્રણ ગુમાવી દઈશું.

4 સપ્તાહનું દેશવ્યાપી લોકડાઉન

મૈક્રોંએ 4 સપ્તાહના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. ટીવી પર પ્રસારિત સમાચારમાં તેમણે આ સમયગાળા દરમિયાન માત્ર જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી મળશે અને લોકોએ ઓફિસોના બદલે ઘરેથી કામ કરવું પડશે તેમ કહ્યું હતું. વધુમાં આ સમયગાળા દરમિયાન સાર્વજનિક સભાઓ સંપૂર્ણપણે બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી. ઉપરાંત યોગ્ય કારણ ન હોય તો ઘરથી 10 કિમીથી વધુ દૂર જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આગામી સપ્તાહથી શાળાઓને પણ 3 સપ્તાહ માટે બંધ રાખવામાં આવશે. જો કે, આ દરમિયાન ઈસ્ટર ફ્રાઈડે વખતે લોકો લોકડાઉનમાં જ્યાં રહેવા ઈચ્છે ત્યાં જઈ શકશે. એક અહેવાલ પ્રમાણે ફ્રાંસમાં કુલ સંક્રમિતોની સંખ્યા 46.46 લાખ પહોંચવા આવી છે અને અત્યાર સુધીમાં કોરોનાના કારણે 95,502 લોકોના મોત થયા છે.