ન્યૂ દિલ્હી

દેવામાં ડૂબી એર ઈન્ડિયા પ્રોપર્ટીની હરાજી ગુરુવારથી શરૂ થશે. એરલાઇન્સની સંપત્તિમાં મોટા શહેરોમાં એપાર્ટમેન્ટ્‌સ અને વ્યવસાયિક જગ્યા શામેલ છે. સરકારી કંપની એમએસટીસી દ્વારા ઇ-હરાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે ગુરુવારે બપોરે ૨ કલાકે શરૂ થશે અને શુક્રવારે બપોરે ૨.૩૦ કલાકે બંધ થશે. એમએસટીસીની ઇ-કોમર્સ વેબસાઇટ પર સંપત્તિ વિશેની માહિતી આપવામાં આવે છે. ૨૦ જૂનથી મિલકતો જોવા માટે ખોલવામાં આવી હતી.

એની જાણકારી રાખનાર સ્ત્રોતોએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે લાદવામાં આવેલી પ્રતિબંધોમાં રાહત હોવાથી પ્રતિસાદ સારો રહ્યો છે અને ઘણા લોકોએ આ સંપત્તિઓની મુલાકાત લીધી છે.

સૂત્રોએ જણાવ્યું હતું 'લોકોને વિશ્વાસ છે કે તેઓ સ્પષ્ટ ટાઇટલ મેળવશે અને સરકારી કંપની પાસેથી સંપત્તિ ખરીદી રહ્યા હોવાથી યોગ્ય કિંમત ચૂકવશે. ફક્ત જેણે વેબસાઇટ પર કોઈ ખાસ સંપત્તિ માટે નોંધણી કરાવી છે, તેઓ જ ઇ-હરાજીમાં ભાગ લઈ શકશે.'

એર ઇન્ડિયાએ ૧૮ જૂને અખબારોમાં એક જાહેરાત દ્વારા સંપત્તિઓની ઇ-હરાજીની જાહેરાત કરી હતી.

આ એકમોની પ્રારંભિક કિંમત રૂપિયા ૧૩.૩ લાખ છે અને તે રૂ. ૧૫૦ કરોડ સુધી જાય છે. એર ઈન્ડિયા તમામ મિલકતોના વેચાણમાંથી ઓછામાં ઓછા ૨૭૦ કરોડ રૂપિયા વસૂલવા માંગે છે. આમાં દિલ્હીના એશિયન ગેમ્સ ગામના કેટલાક ફ્લેટ્‌સ અને મુંબઈના બાંદ્રાના પાલી હિલ ખાતેના ૨,૦૦૬ ચોરસ મીટરના રહેણાંક પ્લોટનો સમાવેશ થાય છે.

હરાજીમાં એવી સંપત્તિઓ શામેલ છે કે જેને અગાઉ વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ખરીદદારો મળી શક્યા ન હતા. એર ઇન્ડિયાએ આમાંની કેટલીક સંપત્તિના અનામત ભાવમાં ઘટાડો કર્યો છે.