વડોદરા : શહેર વિકાસની નવી ક્ષિતિજો તરફ અગ્રેસર થઇ રહ્યું છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી હેતુ રૂા.૩૨૨.૬૬ કરોડના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમુહૂર્ત,ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરથી ઓનલાઇન યોજાયું હતું. ગાંધીનગર ગૃહ ખાતેથી અંદાજીત રૂા.૧૨૫.૭૩ કરોડના ખર્ચે વડોદરા સ્માર્ટ સીટી સ્ક્રાડા ફેઝ-ર અંતર્ગત શહેરમાં પાણીની નળીકા ઉપર ફલો મીટર, પ્રેશર ટ્રાન્સમીટર તથા એકચ્યુએટર, અનેબલ બટર ફલાય વાલ્વ વિગેરે જેવા ઇલેકટ્રો મિકેનિકલ તથા ઇન્સ્ટુમેન્ટેશનના ઉપકરણો બેસાડી વોટર ઓડીટ તથા પમ્પીંગ મશીનરીના એનર્જી ઓડીટ કરવાના કામનું ખાતમુહૂર્ત, રૂા.૬૮.૦૪ કરોડ ના ખર્ચે નિમેટા ખાતે વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ બનાવવાના ખાતમુહૂર્ત, રૂા.૦.૬૯ કરોડના ખર્ચે કપુરાઇ ગામમાં નવિન ડી.આઇ નળીકા નાંખવાની કામગીરીનો શુભારંભ, ૨૬.૫૧ કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગ હસ્તકનાં વિવિધ પાણીના વિતરણ મથકો ખાતેની હયાત પંપીંગ મશીનરીને સુદ્રઢ બનાવી અપગ્રેડ કરવાની કામગીરીનો શુભારંભ થયો હતો. અકોટાના સર સયાજીરાવ નગરગૃહનું રિનોવેશન થયા બાદ લોકાર્પણ મળી કુલ રૂા.૩૨૨.૬૬ કરોડના કામોનું ઇ-ખાતમુહૂર્ત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાયો હતો. 

મધ્ય ગુજરાતના ૨૮૫ તળાવોને નર્મદાના પાણીથી ભરવાની મંજૂરી આપશે :  યોગેશ પટેલ

નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે જણાવ્યું કે, નર્મદા વિભાગે નહેર નજીક આવેલા મધ્ય ગુજરાતના ૨૮૫ તળાવોને નર્મદાના પાણી થી ભરવાની રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગી છે જે ટૂંક સમયમાં મળી જશે. નર્મદા નહેર નજીક આવેલા ટીંબી તળાવને ભરીને પૂર્વ વિસ્તાર માટે પાણી પુરવઠાનો વધુ એક સ્ત્રોત વિકસાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, એક હજાર એકરમાં પથરાયેલું પ્રતાપ સરોવર શહેર માટે જળ ભંડાર બની શકે એ શક્યતાને અનુલક્ષીને ચોમાસું પૂરું થાય કે તુરત જ આ તળાવમાંથી ઝાડી ઝાંખરા સહિતના અવરોધોની સફાઈ કરવાની કામગીરીનો પ્રારંભ કરવાની કાર્યવાહી સત્વરે હાથ ધરવાનો પાલિકાને અનુરોધ કર્યો હતો.