વડોદરા, તા.૨૫ 

કોરોનાની મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓની હાલત કફોડી બની છે. આ એવી જ્ઞાતિ છે જે પોતાની વેદના જાહેર કરી શકતી નથી. ત્યારે કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની માગ સાથે ડભોઈના ધારાસભ્ય સહિત ચાર ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, ડીસા, ખંભાત અને લુણાવાડાના ધારાસભ્યએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયુ છે. રાજ્યના વેપાર, ધંધા, ઉદ્યોગો, નાના વેપારીઓ તમામને અસર થઈ છે. તમામને અસર થઈ તે સ્વાભાવિક રીતે સરકારના ધ્યાને આવ્યું પરંતુ એવી કેટલીક બાબતો છે જે સીધી કોઈના પણ ધ્યાન ઉપર આવતી નથી. કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ એવી જ્ઞાતિ છે કે પોતાની વેદનાને જાહેર કરતી નથી અને સહન કરે છે. તેથી સ્વાભાવિક રીતે લોકોના ધ્યાન ઉપર એ વાત આવતી નથી. લૉકડાઉનની સ્થિતિમાં જ્યારે તમામ મંદિરો બંધ હતા, કર્મકાંડની કોઈ વિધિ થતી ન હતી.જે ભૂદેવો છે જેઓનું જીવનનિર્વાહ કર્મકાંડ કરીને કે કોઈ મંદિરના પૂજારી તરીકે સેવા આપીને કરે છે. લૉકડાઉનની પરિસ્થિતિમાં આવા કર્મકાંડી બ્રાહ્મણો માટે અનાજની કિટની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ આર્થિક સહાય મળવી જાેઈએ એ સમયની માગ છે. કેન્દ્ર સરકાર દ્વારા છૂટક રેકડી લઈને વ્યાપાર ધંધો કરનારને ૧૦,૦૦૦ની યોજનાની જાહેરાત કરી છે. નાના મોટા વ્યવસાય કરનારા માટે આર્થિક ટેકો રહે તે માટે રૂા.૧ લાખથી ૨.૩ લાખ સબસિડીની જાહેરાત કરાઈ છે. આ યોજનાઓનો લાભ કર્મકાંડી અને પૂજારીઓ બ્રાહ્મણોને મળતો નથી. રાજ્યમાં વસતા કર્મકાંડી, પૂજારી બ્રાહ્મણોની પરિસ્થિતિ પાછલા છ મહિનાથી કોરોનાની મહામારીના કારણે ખૂબ ખરાબ હેાઈ રાજ્ય સરકાર દ્વારા તમામ ભૂદેવો માટે આર્થિક પેેકેજ જાહેર કરવામાં આવે તેવી માગ કરી છે.