વડોદરા, તા.૪

વડોદરા અને આસપાસના વિસ્તારોમાં હજુ અનેક શ્રમજીવીઓ અટવાયેલા છે અને તેઓ વતન જવા માગે છે. જેમાં મહત્તમ ઉત્તર પ્રદેશના છે. ત્યારે વડોદરાથી કાસગંજની એક શ્રમિક વિશેષ ટ્રેન ચલાવવાની માગણી કરાઈ છે. જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના હુકમ પછી વડોદરા શહેર-જિલ્લામાં ખૂબ સારી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં ફસાયેલા મજૂર વર્ગને પોતાન વપન પરત મોકલવામાં આવ્યા હતા. પરંતુ હજુ અનેક શ્રમજીવીઓ અટવાયા છે અને પોતાના ઘરે પરત જવા માગતા હોઈ તેવા લગભગ ૧૬૦૦ મજૂરોની સૂચિ અમે તૈયાર કરી છે. જેમાં નામ, મોબાઈલ નંબર વડોદરા રહેતા હોય એ જગ્યાનું સરનામું અને જ્યાં જવા માગતા હોય ત્યાંનું સરનામું, શહેરનું નામ અને રાજ્યનું નામ લખી આ સૂચિ તૈયાર કરવામાં આવી છે. જે પરથી ખબર પડે કે ૧૬૦૦ પૈકી મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશના છે અને તેમાં પણ ખાસ કરીને કાસગંજ, ફરખાબાદ, અલીગઢ અને તેના આસપાસના વિસ્તારોના રહેવાસી છે. આ તમામને કાસગંજ જંકશન સૌથી નજીકનું રેલવે સ્ટેશન હોવાથી તેઅનો સરળતાથી પોતાના ઘરે પરત જઈ શકે તેમ છે ત્યારે વિશેષ ટ્રેન ચલાવવા માગ કરી છે.