જ્યારે કોરોના એનો પંજાે પ્રસારી રહ્યો હતો ત્યારે સ્વાર્થી રાજકારણીઓએ ચૂંટણીના કારણે એમના જ ‘લાકડા’ વડાપ્રધાને આપેલા ‘દો ગજ કી દૂરી’ના ફતવાને અભરાઈએ ચઢાવી દીધો અને એની કિંમત લાખો નિર્દોષ નાગરિકોએ ચૂકવી. પ્રાણાવાયુ, ઈન્જેકશનોના અભાવે લોકો તરફડી તરફડીને મર્યા. હોસ્પિટલમાં બેડ ન મળ્યા, સ્મશાનોમાં ચિતાઓ ખાલી ન મળી. આટલા બધા ભયાનક અનુભવ પછી હજુ પણ એ સ્વાર્થી રાજકારણીઓના ચહેરા પર પોતે ગુનાહિત પાપ કર્યાનો ક્ષોભ નથી ઝળકતો. એટલે હવે સામાન્ય નાગરિકોને કયા મોઢે ‘દો ગજ કી દૂરી’ જાળવવાની અપીલ કરાય? કોરોનાનો કહેર થોડો થાકયો છે - અલબત્ત, બીજી લહેર હજુ સંપૂર્ણપણે ખત્મ નથી થઈ તો પણ હવે તમામ સાર્વજનિક સ્થળોએ લોકો ‘દો ગજ કી દૂરી’ જાળવવાની તસ્દી નથી લેતા. એમને કહો તો વળતો જવાબ આપે છે કે ચૂંટણીઓ વખતે રાજકારણીઓએ એનું ધરાર પાલન ન કર્યું ત્યારે એમને આ સવાલ કેમ ન પુછાયો ? સવાલ સાચો છે અને એનો જવાબ પણ. શહેરમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતા દૃશ્યો હવે સામાન્ય થઈ પડયા છે તેના આ જીવતા - જાગતા પુરાવા.

ગ્રીનબેલ્ટના પ્લોટ સંસ્થાઓને પધરાવી દીધાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આવેદન

• વડોદરા, તા.૮

શહેર કોંગ્રેસ દ્વારા પાલિકામાં ભ્રષ્ટાચાર તેમજ વિપક્ષના અવાજને દબાવવાના પ્રયાસના આક્ષેપ સાથે મેયરને આવેદનપત્ર આપ્યું હતું. રજૂઆતમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ગ્રીનબેલ્ટની કિંમતી જમીનના પ્લોટો નિયમો અને પ્રક્રિયા અનુસાર સિવાય ખાનગી સંસ્થાઓને સ્વૈચ્છિક સંસ્થાઓને વૃક્ષારોપણના બહાને પધરાવી દેવાના કારસા સામે વિરોધ અને ભૂતકાળમાં આપેલા ૪૬ પ્લોટોનું શું ઉપયોગ થઈ રહ્યો છે તેની ચકાસણીની માંગ કોંગ્રેેસે કરી હતી. ઉપરાંત વિપક્ષના અવાજને શાસકો દ્વારા દબાવવામાં આવે છે. તેવા આક્ષેપ સાથે ૨૦૧૫થી શહેર કોંગ્રેસ અને પૂર્વ વિપક્ષના નેતા દ્વારા સ્માર્ટ સિટીના નામે ચાલતા ભ્રષ્ટાચાર, રોડ-રસ્તાના નામે ભ્રષ્ટાચાર, સ્ટ્રીટ લાઈટમાં ભ્રષ્ટાચાર, ૪૦% જમીન કપાતમાં ભ્રષ્ટાચાર, પાણી-ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર, સિક્યુરિટી ઈજારદારમાં ભ્રષ્ટાચાર, જનમહલમાં ભ્રષ્ટાચાર, આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર વગેરે મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. જાે કે આવેદનપત્ર આપવા કોંગ્રેસના અનેક અગ્રણીઓ અને કાર્યક્રો એકઠા થતાં સોશ્યિલ ડિસ્ટન્સિગનો ભંગ થયો હતો.

ગણેશોત્સવ, દશામા વ્રતની ઉજવણી માટે ગાઈડલાઈન જાહેર કરવા માગ

• વડોદરા, તા.૮

આગામી દિવસોમાં હિન્દુઓના પવિત્ર ઉત્સવો દશામાનું વ્રત, ગણેશોત્સવ પર્વ આવી રહ્યા છે ત્યારે આ ઉત્સવોની ઉજવણી માટે તાકીદે ગાઈડલાઈન જાહેર કરવાની માગ સાથે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠને મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, સાથે શ્રીજીની મૂર્તિ તેમજ દશામાની તસવીર આપી હતી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે આવનાર દિવસોમાં હિન્દુઓના ઉત્સવ એવા મા દશામા અને ગણેશોત્સવ માટેની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે તેવી માગ છે. હાલમાં જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગણેશોત્સવ માટે જાહેરનામું બહાર પડી ગયેલ છે પરંતુ હાલ ગુજરાત સરકાર નિદ્રામાં હોય એવંુ લાગે છે. આ ઉત્સવોની પાછળ લાખો મૂર્તિકાર તેમજ તેમના પરિવારની રોજગારી નભેલી છે. સરકાર દ્વારા તમામ ગણેશ મંડળના આગેવાનો તેમજ સરકારના અધિકારીઓ સાથે એક બેઠક કરવામાં આવેતેવી માંગ કરી હતી. જાે કે સંગઠનના અનેક કાર્યકરો આવેદનપત્ર આવતાં સોશ્યિલ ડિસ્ટન્સિગનો અભાવ જણાયો હતો.

દર્દીઓની લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જાેવા મળ્યો

• વડોદરા, તા.૮

શહેર-જિલ્લામાં કોરોનાની બીજી લહેર જ્યારે ચરમસીમાએ હતી અને કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવી રહ્યાહતા તેવા સમયે સયાજી હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં અન્ય દર્દના દર્દીઓ સારવાર માટે આવતા ગભરાઈ રહ્યા હતા જેથી તે સમયે ઓપીડીમાં દર્દીઓની સંખ્યા નહિવત્‌ જણાઈ રહી હતી. કોરોનાના કેસો આવતા એકદમ ઓછા થવાથી સયાજીની ઓપીડી પહેલાની જેમ દર્દીઓથી ઊભરાવવા લાગી છે. એટલું જ નહીં, હોસ્પિટલના સ્ટાફના કર્મચારીઓના પાપે ઓપીડીમાં દર્દીઓ વચ્ચેના સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડી રહ્યા છે અને લાંબી લાઈનોમાં લોકો એકબીજાને નજીક અડીને ઊભેલા જાેવા મળી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડી રહ્યા હોવાને કારણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે અને ઓપીડીની કેસ બારી, દવાની બારીઓ અને ડોકટર રૂમોની બહાર સોશિયલ ડિસ્ટન્સ વગર લાંબી લાઈનો દર્દીઓની લાગેલી જાેવા મળી રહી છે.

નર્મદા ભવન જનસેવા કેન્દ્ર ખાતે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડયા

• વડોદરા, તા.૮

વડોદરા શહેરમાં કોરોનાની બીજી લહેર હળવી બનતાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર કેટલીક છૂટછાટ આપવામાં આવતાં લોકો જાણે શહેરમાંથી કોરોના જતો રહ્યો હોય તેમ વર્તી રહ્યા છે અને જાહેર સ્થળોએ તેમજ સરકારી કચેરીઓમાં કામકાજ માટે આવતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડી રહ્યા છે અને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રિત કરી રહ્યા હોય તેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે.પરંતુ આ શરતી છૂટછાટના ધજાગરા સરકારી કચેરીઓમાં ઊડતાં જાેવા મળી હતી. આજે નર્મદા ભુવન ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં સરકારી કામકાજ માટે આવતા લોકોએ કોરોનાની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતાં તેના ધજાગરા ઊડી રહ્યા હતા. એટલું જ નહીં, કોરોાની ત્રીજી લહેરને આમંત્રિત કરી રહ્યા તેવા દૃશ્યો જાેવા મળ્યા હતા. કોરોનાની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવતી પોલીસ પણ આ સ્થળે ફરકી રહી નથી. અલબત્ત, પોલીસ પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવાની મૂકસંમતિ આપી હોય તેમ પોલીસની ગેરહાજરી જણાઈ રહી હતી અને લોકો મોટી સંખ્યામાં જનસેવા કેન્દ્ર ખાતે એકત્રિત થયેલ નજરે પડયા હતા.