વડોદરા : કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે ગણપતિની પ્રતિમા અને તાજિયાની જાહેરમાં ઉજવણી નહી કરવા તેમજ શહેર-જિલ્લાની નદી,નાળા કે સરોવરમાં વિસર્જન કરવાની મનાઈ ફરમાવી હોવા છતાં આજે ઢળતી સાંજે વારસિયાના સિંધુ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થતા પોલીસે વિસર્જન કરનાર શહેર કોંગ્રેસના મંત્રી સહિત ચાર યુવકોની અટકાયત કરી હતી. 

હરણીરોડ પર સંવાદ ક્વાટર્સમાં દસ દુકાનો સામે રહેતા શહેર કોંગ્રેસ મંત્રી પવન રાજકુમાર ગુપ્તા આજે તેના ઘરે બેસાડેલા ગણપતિની નાની મુર્તિ લઈને કોંગી કાર્યકરો સાથે વારસિયાના સિંધુસાગર તળાવ પર પહોંચ્યો હતો. તળાવના મેઈનગેટને તાળા હોઈ અને આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત હોઈ પવન ગુપ્તા સહિતના કાર્યકરો દિવાલ કુદીને તળાવ કિનારે પહોંચ્યા હતા અને તેઓએ ગણપતિ બાપ્પા મોરિયાના નારા સામે તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.

આ બનાવના પગલે વારસિયા પોલીસ દોડતી થઈ હતી અને પોલીસે પણ દિવાલ ઓળંગીને પવન ગુપ્તા તેમજ કોંગી કાર્યકરો નિલેશ જગન્નાથ વસઈકર, નીખીલ પ્રિતેશભાઈ સોલંકી અને ઉમંગ ભરતભાઈ સોલંકીને ઝડપી પાડ્યા હતા. પોલીસે મેઈનગેટનું લોક ખોલાવી ચારેયને પોલીસવાનમાં બેસાડતી હતી તે સમયે ટોળાએ ગણપતિ બાપ્પા મોરિયાના નારા લગાવતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વારસિયા પોલીસે ચારેય યુવકો સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ગણેશ વિસર્જન મામલે યૂથ કોંગ્રેસ પાલિકામાં પહોંચતાં તંત્ર ઘોરનિદ્રામાં જોવા મળ્યું

વડોદરા મહાનગર પાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત કચેરી ખાતે યુથ કોંગ્રેસ દ્વારા શહેરની જનતાની વેદનાને વાચા આપવાને માટે પાલિકાના કમિશ્નરને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી દિવસોમાં થનાર ગણપતિ વિસર્જન માટે શહેરના તળાવને સ્વચ્છ કરવા અને એમાં શુદ્ધ પાણી ભરવા માટે ઉપલબ્ધ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા શહેર યુથ કોંગ્રેસના મહામંત્રી મેહુલ રાઠોડ કોર્પોરેશન ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા ત્યારે કોર્પોરેશન કમિશનર સાથે તેમના નીચલા અધિકારીઓ પણ મિસ્ટર ઈન્ડિયા’ની અવસ્થામાં જોવા મળ્યા હતા જનતાની વેદનાને વાચા આપવા માટે આવેદનપત્ર કમિશ્નરની જ ઓફિસ બહાર બારી પર મૂકીને જનતાની વેદના આપીને આવ્યા હતા કોર્પોરેશન વડોદરા શહેરની જનતા શ્રદ્ધા અને લાગણી સાથે છે કે કાળા કાયદાની સાથે એવો પ્રશ્ન તેઓએ ઉઠાવ્યો હતો.