નડિયાદ : નડિયાદ શહેરમાં અવાર-નવાર ગાયો અને રખડતાં ઢોરને લીધે અકસ્માત સર્જવાના બનાવો સામે આવી રહ્યાં છે. તેમ છતાં જાડી ચામડીનું નડિયાદ નગરપાલિકા તંત્ર આ મુદ્દે નક્કર કાર્યવાહી કરવામાં નબળંુ પૂરવાર થયંુ છે. શહેરના મુખ્ય રસ્તાઓ સહિત સોસાયટીઓ અને અનેક ચાર રસ્તાઓ પર રખડતાં ઢોર અને ગાયો અડીંગો જમાવેલી જાેવાં મળી રહી છે. નવાઈની વાત તો એ બની છે કે, શનિવારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા માટે નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજી હતી ત્યારે પણ રસ્તાઓ પર ગાયો રખડતી જાેવા મળી હતી. 

શહેરના સ્થાનિકોનું કહેવું છે કે, નડિયાદમાં પીજ રોડ ઉપર, બસ સ્ટેન્ડ બહાર, સંતરામ રોડ, રબારીવાડ, ગંજ બજાર, કબ્રસ્તાન ચોકડી, સંતાના ચોકડી, મહાગુજરાત, ચકલાસી ભાગોળ, પારસ સર્કલ સહિતના હાર્દ્‌સ વિસ્તારોમાં રખડતાં ઢોરનાં ટોળાં આજે પણ દેખાઈ રહ્યાં છે. આ વિસ્તારોમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે. અહીં રાહદારીઓ અને વાહનચાલકો પસાર થઈ રહ્યાં હોય ત્યારે ત્યાં ગાયો દ્વારા અચાનક વચ્ચે આવી જવાથી લોકો સ્લીપ થઈ જવાની ઘટના વારંવાર બની છે. આ ઉપરાંત રખડતાં ઢોરો દ્વારા રાહદારીઓને શિંગડે ચડાવવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે.

નડિયાદના અનેક વિસ્તારોમાં અગાઉ પણ આ પ્રકારના અકસ્માતો થઈ ચૂક્યાં છે. ઘણાં ખરાં કિસ્સામાં લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. થોડાં દિવસો અગાઉ જ નડિયાદના કબ્રસ્તાન ચોકડી વિસ્તારમાં ગાયે વૃદ્ધને અડફેટે લેતાં જીવ ગુમાવવો પડ્યો હતો. આ પ્રકારના કિસ્સા બનવાથી રાહદારીઓ અને વાહનચલાકોએ ખૂબ કાળજીપૂર્વક રોડ પરથી પસાર થવંુ પડે છે. આ ઉપરાંત મુખ્ય માર્ગ સમા સંતરામ રોડ અને બસ સ્ટેશન વિસ્તારમાં દિવસ દરમિયાન ભારે ચહલ પહલ રહેતી હોવાથી આ વિસ્તારોમાં અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. ત્યારે આ કિસ્સામાં હવે નડિયાદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ગાયોના માલિકોને ચેતવણી આપી ગાયો રસ્તે ન છોડવા માટે ટકોર કરાય તે જરૂરી બન્યંુ છે.

આ ઉપરાંત રસ્તે રખડતી ગાયોને પાંજરાપોળમાં પૂરવામાં આવે તે પણ જરૂરી બન્યુ છે. ત્યારે પાલિકા પ્રશાસન સતર્કતા દાખવી આ મુદ્દે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

જિલ્લા સમાહર્તાના ફ્લેગમાર્ચમાં પણ રખડતી ગાયો નજરે ચઢી!

નવાઈની વાત તો એ બની છે કે, શનિવારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા માટે નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજી હતી ત્યારે પણ રસ્તાઓ પર ગાયો રખડતી જાેવા મળી હતી.