રાજપીપળા, તા.૭

ભાજપ સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ મામલતદારોએ આંદોલન એક તરફ તેજ બનાવ્યું છે, મનસુખ વસાવા માફી માંગે એવી માંગ સાથે રાજ્યભરના મામલતદારો આંદોલન ચલાવી રહ્યાં છે તો બીજી બાજુ મનસુખ વસાવા પણ પોતે મક્કમ થઈ ટસના મસ થતા નથી.ભાજપ સંગઠન પણ મનસુખ વસાવાની પડખે ઉભું થઈ એમની તરફેણ કરી રહ્યુ છે જ્યારે સરકારી અધિકારીઓ સાંસદની વિરુદ્ધ ઉભા થયા છે.હવે સંગઠન અને તંત્ર વચ્ચેના આ વિવાદમાં કોની જીત થાય છે એ તો સમય જ બતાવશે. મનસુખ વસાવા અને રાજ્યના મામલતદારો વચ્ચેના વિવાદ વચ્ચે મનસુખ વસાવાએ મક્કમ મને કહ્યું છે કે જેને જેટલા આંદોલનો કરવા હોય એટલા કરો પણ રેતી માફિયાઓ સામે હું કોઈ દિવસ ઝુકીશ નહીં. સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું છે કે જેને જે કરવું હોય એ કરી લે પણ સાંસદ જુકેગા નહિ.રેતી માફિયાઓ દ્વારા મને હટાવવા ૧ કરોડ નું ફંડ ભેગું કર્યું છે અને મને હટાવવાની કોશિશ કરી રહ્યા છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે નારેશ્વર નજીક રેતી ભરેલી ટ્રકની અડફેટે બાઈક અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થતા આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.આ ઘટનાના બીજા દિવસે ભાજપ સાંસદ મનસુખ વસાવા અને કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયા અકસ્માત સ્થળે ફુલહાર માટે પહોંચ્યા હતા.એ દરમિયાન ત્યાં હાજર કરજણના મામલતદાર અને સર્કલ ઓફિસર તથા મનસુખ વસાવા વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાતા આ વિવાદ વધ્યો છે.