વડોદરા : શહેરના અકોટા રોડ ગાય સર્કલ પાસે ફુગ્ગા અને પ્લાસ્ટિકના રમકડાં વેચતા પરિવારના નવ જેટલા બાળકોને એક ઓટોરિક્ષા ચાલક બેસાડીને ક્યાંક લઈ ગયો છે તેવા પોલીસ કંટ્રોલને મળેલા મેસેજને પગલે ગોત્રી પોલીસ મથકના ઉચ્ચ પોલીસ અધિકારી અને સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયા હતા અને પોલીસે બનાવના સ્થળના સીસીટીવી ફુટેજના આધારકે દિવાળીપુરા ખાતેથી તેઓ મળી આવ્યા હતા. શહેરમાં એકસાથે નવ બાળકોના રિક્ષામાં અપહરણ થયાના સમાચાર વહેતા થતાં ચકચાર મચી જવા પામી હતી. આ બાળકોની શોધોખળમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જાેડાઈ હતી અને ગણતરીના કલાકોમાં તમામ બાળકો હેમખેમ મળી આવતાં પોલીસે તેમના વાલીઓને સોંપ્યા હતા. જાે કે મોડી રાતે ઓટો રીક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી હતી.

દિવાળીપુરા ખાતે આવેલ રેનબસેરામાં શ્રમજીવીઓની વસાહતમાં રહેતો પરિવાર આજે સવારે રોજ મુજબ અકોટા રોડ ગાય સર્કલ પાસે કુટુંબ-કબીલા સાથે ફુગ્ગા અને પ્લાસ્ટિકના રમકડાં વેચવા માટે આવ્યો હતો. પરિવારના નવ જેટલા નાના બાળકો રમતા હતા તે વખતે એક ઓટોરિક્ષા ચાલક આવ્યો હતો અને જમવા અને ફરવા લઈ જવાના બહાને આ તમામ બાળકોને રિક્ષામાં બેસાડી વાસણા રોડ તરફ રવાના થયો હતો. આ દૃશ્યને જાેઈ બાળકોના વાલીઓએ ઓટોરિક્ષા ચાલક તેમના બાળકોનું અપહરણ કરીને લઈ જતો હોવાનું જણાઈ આવતાં બાળકોના વાલીએ શહેર પોલીસ કંટ્રોલમાં બાળકોના અપહરણની જાણ કરતાં પોલીસ કંટ્રોલે ગોત્રી પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પીઆઈ ચૌધરી સહિતનો પોલીસનો સ્ટાફ બનાવના સ્થળે દોડી આવ્યો હતો. બાળકોના વાલીઓના આધારે બનાવના સ્થળના સીસીટીવી ફુટેજની તપાસ હાથ ધરી હતી. જેમાં ઓટોરિક્ષામાં બેસતા બાળકો જણાઈ આવ્યા હતા અને રિક્ષા દિવાળીપુરા વાસણા રોડ તરફ જતી જાેવા મળી હતી જેથી પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જાેડાઈ હતી. તપાસના અંતે ઓટોરિક્ષા ચાલકે બાળકોને વાસણા ચા રસ્તા પાસે ઉતારીને જતો રહ્યો હતો અને આ તમામ બાળકો ચાલતાં તેમના રહેઠાણ દિવાળીપુરા પાસેથી આવી પહોંચતાં તેઓ હેમખેમ મળી આવ્યા હતા. આ તમામ બાળકો મળી આવતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો અને તમામ બાળકોને તેમના વાલીઓને સોંપવામાં આવ્યા હતા.