ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધ ન બગાડશો, દિગ્ગજ ભારતવંશી નેતાની ટ્રમ્પને સલાહ
06, ઓગ્સ્ટ 2025 વોશીંગટન   |   3762   |  

ટ્રમ્પ વહીવટીતંત્ર પર બેવડા ધોરણ અપનાવવાનો પણ આરોપ

 સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતીય માલસામાન પર ભારે ટેરિફ લાદવાના પ્રસ્તાવની આકરી ટીકા કરી છે. હેલીએ ચેતવણી આપી હતી કે આ પગલું ભારત-અમેરિકા સંબંધોને બગાડી શકે છે, જે હાલમાં ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કે છે. તેમણે કહ્યું કે એક તરફ તમે ચીન જેવા દુશ્મનને રાહત આપી રહ્યા છે જ્યારે બીજી બાજુ ભારત જેવા મિત્ર દેશ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છો.. આ કેવું...?

તેમણે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે અમેરિકા ચીન જેવા દુશ્મન દેશને છૂટછાટ ન આપે અને ભારત જેવા સાથી સાથેના સંબંધો ન બગાડે. હેલીએ ટ્રમ્પ વહીવટીતંત્ર પર બેવડા ધોરણ અપનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકાએ ચીન સાથે વેપાર માટે 90 દિવસની ટેરિફ મુક્તિ આપી છે, જ્યારે ભારત સામે કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે.

હેલીએ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે, "ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવું જોઈએ, પરંતુ ચીન જે આપણો દુશ્મન છે અને રશિયા અને ઈરાનનો સૌથી મોટો ઓઈલ ભંડાર ખરીદનાર પણ છે, તેને 90 દિવસની ટેરિફ મુક્તિ મળી છે. એકતરફ ચીનને છૂટછાટ અને બીજી તરફ ભારત જેવા મજબૂત સાથી સાથેના સંબંધો બગાડો તે યોગ્ય નથી."

નિક્કી હેલી લાંબા સમયથી ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધોના પક્ષમાં રહી છે. તેમનું માનવું છે કે ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ભારત જેવા લોકશાહી દેશો સાથે મજબૂત ભાગીદારી જરૂરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution