વડોદરા, તા.૭

શહેરના છેવાડે આવેલ આજવા ચોકડી, સયાજીપુરા, વાઘોડિયા ચોકડીની આસપાસ રહેતા પાંચ હજાર પરિવારોના રપ હજાર લોકો છેલ્લા દસ દિવસથી પાણી વિના ટળવળી રહ્યા છે. ધરણાં-પ્રદર્શન-દેખાવોથી માંડી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હોવા છતાં વુડા સત્તાવાળાઓ આ અંગે ધ્યાન આપતા નથી, એની પાછળ ભાજપાના એક બાહુબલી નેતાના દોરીસંચારથી સોસાયટી, ફલેટોમાં આવેલા પ૦૦ મકાનોને જાણીબુઝીને પાણી નહીં આપી બાનમાં લેવાતાં હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે. 

પૂર્વ વિસ્તામાં આવેલ પ૦૦ જેટલા ફલેટના મકાનોમાં દસ દિવસથી પાણીનું ટીંપું પણ આવ્યું નથી ત્યારે ભાજપાના બાહુબલી નેતાએ વુડાના અધિકારીઓનું નાક દબાવી પાણી બંધ કરાવ્યું હોવાની માહિતી બહાર આવી છે. આજવા ચોકડી પાસે આવેલ કાન્હા લેન્ડ, કાન્હા સિટી, કાન્હા લાઈફ સ્ટાઈલમાં આવેલ ર૦૦ ઉપરાંત ફલેટધારકોને છેલ્લા દસ દિવસ ઉપરાંતથી પાણી મળી નથી રહ્યું. એવી જ પરિÂસ્થતિ સયાજીપુરા વિસ્તારમાં આવેલ અનંતા લાઈફ સ્ટાઈલના ફલેટ અને મકાનધારકો અને અનંતા સમૃદ્ધિના રહીશોની છે. એક વર્ષથી નિયમિત રીતે પાણીનો પુરવઠો આ રપ હજાર રહીશોને નિયમિત મળતો હતો, તે એકાએક બંધ થઈ ગયો છે. રહીશોને નહાવા-ધોવાનું તો ઠીક, પીવાનું પાણી પણ મળી નથી રહ્યું. છેલ્લા પાંચ દિવસથી આ રહીશોએ પાલિકામાં રજૂઆત કરી તો એમને એ વિસ્તાર વુડામાં આવતો હોવાથી વુડામાં જવા માટે જણાવ્યું હતું. વુડામાં રજૂઆત કરતાં અધિકારીઓએ ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. અંતે રહીશો બિલ્ડર સમક્ષ રજૂઆત માટે પહોંચી જઈ પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવા ઉગ્ર રજૂઆત કરી હતી. 

બિલ્ડરોએ પણ અત્યાર સુધી નિયમિત રીતે પૂરતા પ્રમાણમાં મળતું પાણી વુડાએ અચાનક કેમ બંધ કર્યું એ અંગે તપાસ કરતાં વુડામાંથી ચોંકાવનારો જવાબ મળ્યો હતો. જેમાં અધિકારીઓએ ખાનગીમાં ભાજપાના બાહુબલી નેતાને મળી લેવાની વાત કરી હતી. પરિણામે બિલ્ડરો વિમાસણમાં મુકાયા હતા. જા કે, ટેન્કરોથી રહીશોને પાણી પૂરું પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એ અપૂરતું હોવાથી રહીશોની સમસ્યા ઠેરની ઠેર છે ત્યારે બાહુબલી નેતાને પાણી બંધ કરાવવામાં શું રસ પડયો એવા સવાલને લઈને રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે. 

પાણીની સેવાના નામે મોટી મેવા કોણ માગે છે? 

પાણીની સેવાના નામે બિલ્ડરો પાસેથી અગાઉ કરોડો રૂપિયા ઉઘરાવી ચૂકેલા બાહુબલી ભાજપાના નેતાએ બિલ્ડરો પાસે વધુ એક કરોડની માગ મૂકી હતી, જે નહીં સંતોષાતાં રૂપિયા નહીં તો પાણી નહીં એવી નીતિ અપનાવવા માટે વુડાના અધિકારીઓ ઉપર દાદાગીરી કરી દબાણથી પૂર્વ વિસ્તારમાં વુડાની હદમાં આવેલા પ૦૦ જેટલા મકાનોમાં અપાતું પાણી બંધ કરાવાયું હોવાનું બિલ્ડર લોબીમાં ચર્ચાય છે. વુડાના સત્તાવાળાઓ પણ પ્રજાની ચિંતા કરવાને બદલે ભાજપાના નેતાની દલાલી કરતા હોવાનું કહેવાય છે. 

વુડા કેમ જવાબદારીથી ભાગે છે 

પૂર્વના વુડા વિસ્તારમાં આવેલા પ૦૦ જેટલા મકાનોમાં પાણી આપવાની જવાબદારી વુડાની છે. બિલ્ડરોએ બે વર્ષ પહેલા પાણીની સમસ્યા ઉકેલવા પોતાના સ્વખર્ચે પાણીની લાઈનો નાખી હતી અને વુડાને સોંપી હતી. વુડાએ બે વર્ષ પાણી આપ્યું તો અચાનક બંધ કેમ કરી દીધું એવા સવાલનો જવાબ આપવા વુડાના કોઈ અધિકારી તૈયાર નથી. કારણ કે, ભાજપાના બાહુબલી નેતાના ખોફથી ડરે છે. 

જાયે તો જાયે કહાં જેવો ઘાટ બિલ્ડરોનો 

બિલ્ડરોનો બધી બાજુથી મરો છે. જમીનમાંથી ૪૦ ટકા કપાત આપવાની, રજાચિઠ્ઠી માટે નાણાં આપવાના, વુડાનો વિકાસ ફાળો આપવાનો, ટી.પી.નું ઈન્ક્રિમેન્ટલ કોન્ટ્રીબ્યુશન આપવાનું, રજાચિઠ્ઠી ડેવલોપમેન્ટ ચાર્જ આપવાનો, પાણી ડ્રેનેજ માટે લાઈનો નાખવાનો ખર્ચો કરવાનો. તેમ છતાં વુડા તરફથી પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ નહીં અપાતાં પઝેશન અપાયાના બે વર્ષ બાદ પણ રહીશોની ફરિયાદો તો વુડાના પાપે ઠેરની ઠેર જ રહે છે. પરિણામે બિલ્ડરોની હાલત કફોડી બને છે.