વડોદરા, તા.૧૩

શહેરમાં અનેક લોકોને વૅક્સિન લીધા વગર જે વૅક્સિન લીધી હોવાના સર્ટિફિકેટ આવી રહ્યા છે. આવા વધુ ત્રણ કિસ્સા આજવા રોડ ખાતે સામે આવતાં હોબાળો મચ્યો હતો. આ ગોટાળા પછી કોર્પોરેશન તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે. સમજી નથી શકાતું કે આ ગરબડ ક્યાંથી થઈ રહી છે.

કોરોના વેક્સિનેશનની કામગીરમાં વડોદરા કોર્પોરેશન પર બેદરકારીના આક્ષેપ થઈ રહ્યા છે. કોરોનાની રસી લીધી ન હોવા છતાં વેક્સિનેશનનું સર્ટિફિકેટ આપી દીધું હોવાનો આક્ષેપ અનેક લોકો દ્વારા થઈ રહ્યા છે. જે નામનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયું છે તેમણે વેક્સિન લીધી જ નથી, તેથી રસીકરણની કામગીરી વગર સર્ટિફિકેટ અપાઈ રહ્યા હોવાના મુદ્દે સવાલો ઉઠાવાઈ રહ્યા છે.

આજે આજવા રોડ વિસ્તારના એસ.બી.પટેલ શાળા સ્થિત વેક્સિનેશન સેન્ટર પર પણ આવા જ કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. રસીકરણ કર્યા વિના પ્રથમ કે બીજાે ડોઝ સફળતાપૂર્વક આપવા માટેના પ્રમાણપત્રને લઈ અનેક તર્કવિતર્કો સર્જાયા છે. જાે કે રસીના ઓનલાઈન રજિસ્ટ્રેશન દરમિયાન વ્યક્તિનું આઈડી પ્રૂફની ડિટેઈલ પણ આપવામાં આવે છે અને તેની રસી સમયે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે. અહીં તો સીધું જ પ્રમાણપત્ર મોકલવામાં આવ્યું છે. જેથી આ કિસ્સાઓમાં તાંત્રિક ભૂલ કે અન્ય કોઈ કારણો છે તે અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા છે.