મુંબઈ

90ના દાયકાના પ્રસિદ્ધ સંગીતકાર શ્રવણ રાઠોડનું કોરોનાથી નિધન થયું છે. શ્રવણે નદીમ સૈફી  સાથે મળીને યાદગાર સંગીર આપ્યું હતું. તેમને સારવાર માટે મુંબઈની માહિમ સ્થિત એસ.એલ. રાહેજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની હાલત ગંભીર બની હતી.

66 વર્ષીય શ્રવણના નિધનના સમાચાર તેમના પૂર્વ સંગીતકાર જોડી નદીમ સૈફીએ આપ્યા હતા. નદીમે જણાવ્યું કે, "મારો શાનૂ નથી રહ્યો. અમે આખી જિંદગી લગભગ સાથે વિતાવી છે. અમે સાથે જ તડકો અને છાંયો જોયો છે. અમે ક્યારેય એક બીજાનો સંપર્ક નથી તોડ્યો. એકબીજાથી દૂર રહેવા છતાં અમારા સંબંધ પર ક્યારેય તેની અસર નથી પડી. વર્ષો સુધી મારો મિત્ર અને પાર્ટનર રહેલા શ્રવણે મારો સાથ છોડી દીધો છે. મારું જીવન એક શૂન્ય બની ગયું છે."

ઉલ્લેખનીય છે કે નદીમ-શ્રવણની જોડી 90ના દશકાની સુપ્રસિદ્ધ સંગીતકાર જોડી હતી. જેમણી 'આશિકી' (1990), 'સાજન' (1991), શાહરુખ ખાનની 'પરદેસ' અને અમિર ખાનની 'રાજા હિન્દુસ્તાની' ફિલ્મ માટે મ્યૂઝિક આપ્યું હતું. 2000માં અલગ થયા બાદ આ જોડીએ 2009માં ડેવિડ ધવનની 'ડૂ નૉટ ડિસ્ટર્બ' માટે સંગીત આપ્યું હતું.

શ્રવણ રાઠોડના નિધન પર બોલિવૂડના અનેક કલાકારો અને સંગીતકારોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. અદનાન સામી, પ્રિતમ, ગાયિકા શ્રેયા ઘોષાલ, સંગીતકાર સલીમ મર્ચન્ટે ટ્વિટ કરીને શ્રવણ રાઠોડને શ્રદ્ધાંજલિ પાઠવી છે.