અરવલ્લી :  અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારી, મોડાસાની અખબારી યાદી જણાવે છે કે હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.૧૦/૧૨/૨૦૨૦ અને ૧૧/૧૨/૨૦૨૦ ના રોજ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ની આગાહી થયેલ છે. જે પરીસ્થીતિ જાેતાં આવા સમયે અત્રેના અરવલ્લી જિલ્લામાં પણ ખેડૂતો પાક અને જાનમાલ ના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા તથા નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા સંબંધિત ખેડુતોને ભલામણ કરવામાં આવે છે. શકય હોય ત્યાં ખરીફ સીઝન ના લાબા ગાળા ના ઉભા પાકમાં પીયત આપવાનું ટાળવું જેથી વધારે ભેજવાળું હવામાન ટાળી શકાય અને સંભાવીત રોગ/જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય. તેમજ રાસાયણીક ખાતર યુરિયા નો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લા હોય તો તેણે તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, તેમજ કપાસના પાકમાં તૈયાર થયેલ જીંડવા તાત્કાલિક વીણાવી લેવા , પવન થી નુકશાન ન થાય તે માટે બાગાયતી પાકોમાં ફળોંની સમયસર વીણી કરીને ટેકો આપવાની વ્યવસ્થા કરવી,આ સિવાય એ.પી.એમ.સી મા રહેલ જણસીઓ સલામત સ્થળે ગોડાઉન માં રાખવા તમામ વેપારી મિત્રો ને વિનંતી છે.