ભરૂચ-અંકલેશ્વર, ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હરણફાળ ભરતો જિલ્લો બનતો જાય છે, સાથે જ ઔદ્યોગિક વસાહતોમાં અકસ્માત આગના બનાવોની પણ રમઝટ જામી રહી છે. અંકલેશ્વર, પાનોલી, દહેજ, સહિતની મોટી જીઆઇડીસીમાં સેંકડો નાના મોટા ઉદ્યોગો આવેલા છે. ભરૂચ જિલ્લામાં કેમિકલ અને તેના લગતા રો મટીરીયલ બનાવતી કંપનીઓ આવેલ છે. દર વર્ષે કંપનીઓમાં અકસ્માત અને આગ લાગવાની ઘટનાઓની જાણે રમઝટ જામી છે. ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ વાઈલાઈન ગ્લાસ કંપનીમાં ગતરોજ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિશાલ હતી કે કેટલાય કિલોમીટર સુધી તેના ગોટેગોટા ઉડતા નજરે પડયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પણ એક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ માનવામાં આવી રહ્યું છે. લેબોરેટરી ઇકવિપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્લાસ બનાવતી કંપનીના ગોડાઉનમાં પેકેજીંગ માટે વપરાતી પ્લાય, પુઠ્ઠા, ઘાસપુસ સહિતના સામાનમાં આગ લાગતા આગે એકાએક વિકરાર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપટોને કાબુમાં લેવા માટે ૬ જેટલા ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવતા કંપની મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જીપીસીબી, ફાયર એન્ડ સેફટી, ઝઘડિયા પોલીસના કાફલા સહિતના લોકો દોડી આવ્યા હતા. આ લખાય છે ત્યાં સુધી ફાયર એન્ડ સેફટીના તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર આગ ઉપર સંપૂર્ણ કાબુ કરી થયો નથી કાચની ચીજવસ્તુઓ બનાવતી કંપની હોવાથી ગ્લાસનાં પાર્ટીકલ હાલમાં પણ ગરમ અવસ્થામાં હોય પીગળી રહ્યા છે તો આવા સમયે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પણ પ્રાથમિક ધોરણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવી શકાય છે.