ન્યૂ દિલ્હી

ભારત અને ઈંગ્લેન્ડની મોટેરા ખાતેની ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચની પિચે ક્રિકેટર્સ તેમજ ક્રિકેટ જગતથી સંકળાયેલા લોકોમાં ચર્ચાઓ જગાવી હતી. કેટલાક પૂર્વ ક્રિકેટરોએ તેમજ એક્ષપર્ટસે મોટેરાની પિચની ટીકા કરી હતી. લોકોનું માનવું હતું કે આ ૨૨ યાર્ડની પિચ પાંચ દિવસીય ટેસ્ટ મેચ માટે યોગ્ય નથી. જે ચર્ચાનો આજે આઈસીસી  એ અંત લાવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ બાદ પિચ સામે સવાલો ઉઠ્‌યા હતા. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન માઈકલ વોન, ઈંગ્લેન્ડના સ્પિન બોલર મોન્ટી પાનેસર, ઓસ્ટ્રેલિયના પૂર્વ ક્રિકેટર મોર્ક વો જેવા દિગ્ગજોએ ત્રણ દિવસમાં જ ટેસ્ટ મેચનું રિઝલ્ટ આવી જતા પિચની ટીકા કરી હતી. જેના બચાવમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તેમજ ભારતીય સ્પિન બોલર રવિચન્દ્રન અશ્વિને પિચ મામલે બચાવ કર્યો હતો. બને ભારતીયોએ બંન્ને ટીમની ખરાબ બેટિંગને આ માટે જવાબદાર ઠેરવી હતી. ત્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે આજે પિચ અંગે પોઈન્ટ અપડેટ કર્યા હતા. જેમાં મોટેરા ની પિચને ત્રીજી ટેસ્ટ મેચ માટે 'એવરેજ' રેટિંગ આપવામાં આવ્યું છે. એનો મતલબ પિચ આઈસીસીના નીતિ અને નિયમોથી ખરાબ નહોતી. જેના પરિણામે ભારતને કોઈ પોઈન્ટનું નુકસાન નહીં થાય અને કોઈ પણ પ્રકારનો દંડ નહીં આપવામાં આવે.

જ્યારે મોટેરા ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચની પિચને 'ગૂડ' રેટિંગ આપવામાં આવ્યું છે. સાથે જ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-૨૦ ની પિચને 'વેરી ગૂડ' રેટિંગ અપાયું છે. આપને જાણીને નવાઈ લાગશે કે સીડની ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી મેચની પિચને પણ આઈસીસી દ્વારા 'એવરેજ' રેટિંગ આપાવામાં આવ્યું હતું. આ તમામ વિગતો આઈસીસીએ રવિવારે પોતાની સાઈટ પર પિચના નીતિ અને નિયમોના પેજ પર અપડેટ કરી હતી. જ્યારે પિચ અંગેના તમામ પોઈન્ટસ્‌ જે તે મેચના રેફરીઓ દ્વારા આપવામાં આવે છે.