કોલકત્તા-

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ હિંસાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકવાર ફરી ભાજપ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, ભગવા પાર્ટી હજુ પણ જનાદેશનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. મમતાએ ગુરૂવારે હિંસામાં મોતને ભેટેલા લોકોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જ્યારે ચૂંટણી પંચના હાથમાં હતી, તે દરમિયાન થયેલી હિંસામાં 16 લોકોના મોત થયા છે. તેમાંથી અડધા ટીએમસીના હતા અને અડધા ભાજપના. આ સિવાય એક કાર્યકર્તા સંયુક્ત મોર્ચાનો હતો.

મમતાએ ગુરૂવારે જાહેરાત કરી કે ચૂંટણી બાદ પ્રદેશમાં થયેલી હિંસામાં મૃત્યુ પામનાર લોકોને કોઈ ભેદભાવ વગર 2-2 લાખનું વળતર આપવામાં આવશે. મમતાએ આ દરમિયાન ભાજપ પર જનાદેશનો સ્વીકાર ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ ફરી રહ્યા છે. તે લોકોને ભડકાવી રહ્યાં છે. નવી સરકાર આવ્યાના 24 કલાક પણ થયા નથી અને તે પત્ર મોકલી રહ્યાં છે. તેના નેતા અને તેની ટીમ આવી રહી છે. મમતાએ કહ્યું કે, તે (ભાજપ) હકીકતમાં જનાદેશનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. હું તેમને આગ્રહ કરુ છું કે તે જનાદેશનો સ્વીકાર કરે. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે પશ્ચિમ બંગાળ સરકારને પત્ર લખ્યો અને રાજ્યમાં ચૂંટણી બાદ થયેલી હિંસાનો વિસ્તૃત રિપોર્ટ માંગ્યો હતો. કેન્દ્રએ કહ્યું કે, રાજ્ય સરકાર રિપોર્ટ નહીં મોકલે તો આ મામલાને ગંભીરતાથી લેવામાં આવશે.