અંકલેશ્વર,તા.૧૮

ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથકમાં એક વિચિત્ર ઘટના ઘટી હતી,ચૂંટણી આચાર સંહિતા લાગુ પડતા હથિયારધારી પોતાની રિવોલ્વર પોલીસ મથકમાં જમા કરવા માટે ગયા હતા,પરંતુ બંદૂક માંથી બુલેટ કાઢવાની પ્રક્રિયા દરમ્યાન અચાનક ફાયર થઈ જતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી.અને બન્ને ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પ્રાપ્ત પોલીસ સુત્રીય માહિતી અનુસાર તાજેતરમાં જ ચૂંટણીપંચ દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી.અને તેની સાથેજ આદર્શ આચારસંહિતા પણ લાગુ કરવામાં આવી હતી.જેને લગતા નીતિનિયમો મુજબ જે વ્યક્તિઓ બંદૂક રાખવાનું લાયસન્સ ધરાવે છે તેમણે પોલીસ મથકમાં હથિયાર જમા કરાવવાનું હોય છે,અને આજરોજ હાંસોટ ના રહેવાસી પરેશભાઈ સોનીની રિવોલ્વર દેવેન્દ્ર પટેલ અને કલ્પેશ શેઠ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે ગયા હતા,પરંતુ રિવોલ્વરમાં રહેલી બુલેટ કાઢવાની પ્રક્રિયા દરમ્યાન અચાનક ફાયર થઇ જતા બંદૂકમાંથી બુલેટ છૂટી હતી અને દેવેન્દ્ર પટેલ તેમજ કલ્પેશ શેઠ ને ગોળી વાગતા તેઓએ ઇજાગ્રસ્ત થયા હતા.સર્જાયેલી ઘટનાને પગલે હાંસોટ પોલીસ મથકમાં નાસભાગ મચી ગઇ હતી,અને પોલીસ દ્વારા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે નજીકમાં આવેલી કાકા બાબા હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરત હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.ઘટના સંદર્ભે હાંસોટ પોલીસે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.