રાજકોટ, રાજકોટમાં મચ્છરજન્ય ડેંગ્યુ સહિતના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા સપ્તાહમાં ખતરનાક ડેંગ્યુ તાવના વધુ ૧૨ દર્દી નોંધાતા સિઝનના કુલ દર્દીઓનો ૪૧૩ને પાર થઇ ગયો છે. તો મેલેરીયાના ૧ અને ચિકનગુનિયાના ૩ કેસ નોંધાયા છે. આ દરમ્યાન ચકાસણીમાં ઠેર ઠેર મચ્છરોના ઉપદ્રવ જાેવા મળતા અઠવાડિયામાં આવી જગ્યાઓના સંચાલકો પાસેથી રૂા.૭,૦૫૦ હજારનો દંડ લેવામાં આવ્યો છે.

આરોગ્ય શાખાએ જાહેર કરેલા સાપ્તાહિક આંકડા મુજબ ગત તા.૨૯-૧૧થી ૫-૧૨ દરમ્યાન ડેંગ્યુના નવા ૧૫ દર્દી નોંધાતા ચોપડા પર સત્તાવાર રીતે દર્દીઓનો આંકડો ૪૧૩ થયો છે. તો મેલેરીયાના ૧ સહિત કુલ ૫૫ અને ચિકનગુનિયાના ૩ સહિત કુલ ૩૫ કેસ નોંધાયા છે. જાેકે ખાનગી દવાખાનાઓમાં પણ ડેંગ્યુ અને મેલેરીયાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં મચ્છરજન્ય રોગચાળા અટકાયત પગલાના ભાગરૂપે આરોગ્ય અને મેલેરીયા શાખા દ્વારા સઘન સર્વે અને ચકાસણીની કામગીરી ચાલી રહી છે. આ દરમ્યાન ૪,૩૩૬ મકાનોમાં ફોગીંગ કરીને ૪૩,૯૧૧ પાણીના ટાંકામાં દવા નાંખી પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. જુદા જુદા પ્રકારની મિલકતોની ચકાસણી કરાતા ૧૨૫૧ જગ્યાએ બેદરકારીથી મચ્છરની ઉત્પતિ થયાનું દેખાયું હતું. જે બદલ રૂા.૭,૦૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તંત્ર દ્વારા અન્ય બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટલ, કારખાના, હોસ્ટેલ, ધર્મ સ્થળ, સરકારી કચેરીઓ સહિત ૮૮૩ જગ્યાએ ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે લોકોને મચ્છરજન્ય રોગચાળાથી બચવા ખાસ તકેદારી રાખવાની અપીલ કરતા જણાવ્યું છે કે આ એડીસ મચ્છરો શુધ્ધ પાણીમાં જ જન્મે છે. આથી સાફ સફાઇ ખુબ જરૂરી છે. પાણીમાં જાેવા મળતા પોરા અને લારવા એ મચ્છરના બચ્ચા છે. તે જાેવા મળે તો તુરંત નાશ કરવો અનિવાર્ય છે.