વડોદરા : બહુચર્ચિત હાઇપ્રોફાઇલ રેપકેસમાં પકડાયેલા હાર્મની હોટલના સંચાલક કાનજી મોકરિયાને આજે ક્રાઇમ બ્રાન્ચે અદાલતમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પારુલ ર્યુનિવસિટીમાં અભ્યાસ કરતી પરપ્રાંતીય યુવતીએ શહેરના સી.એ. અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં બંનેે મુખ્ય આરોપીઓ ફરાર થઇ ગયા હતા. દરમિયાન પોલીસે બંને ફરાર આરોપીઓના લોકેશન તેમજ સંપર્કસૂત્રોની તપાસ કરી હતી. જેમાં આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરનાર વડોદરા સ્ટેશન પાછળની હાર્મની હોટલના માલિક અને નંદન કુરિયરના સંચાલક કાનજી મોકરિયાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળેલી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રાજુ ભટ્ટને પણ જૂનાગઢથી ઝડપી પાડ્યો છે. આ ગુનાની પોલીસ તપાસમાં એક મેગેઝિનના પત્રકાર પ્રણવ શુક્લની ભલામણથી આરોપી કાનજી મોકરિયાએ પીડિતાને કોરોના દરમિયાન પોતાની હોટલમાં માર્ચ ૨૦૨૦માં લગભગ ૨૦ દિવસ માટે આશરો આપ્યો હતો. આ ઉપરાંત યુવતીના બેન્ક એકાઉન્ટમાં પણ કાનજી મોકરિયાના બેન્ક એકાઉન્ટમાંથી હજારો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે, જેની તપાસ કરવાની બાકી છે. શું કાનજી મોકરિયાએ જ યુવતીની રાજુ ભટ્ટ સાથે ઓળખાણ કરાવી હતી કે કેમ? તેમજ રાજુ ભટ્ટને ભગાડીને જૂનાગઢમાં આશ્રય અપાવવામાં પણ કાનજી મોકરિયાની ભૂમિકા છે કે કેમ? આ ઉપરાંત હાર્મની હોટલમાં આ યુવતી સાથે અન્ય વ્યક્તિઓએ મુલાકાત કરી હતી કે કેમ? અને કરી હતી તો શા માટે કરી હતી? જેવા વિવિધ મુદ્દે તપાસ કરવાની બાકી છે. ત્યારે આ પ્રશ્નોના જવાબો મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાનજી મોકરિયાના સાત દિવસના રિમાન્ડ માગતાં અત્રેની અદાલતે તેને બે દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.