વડોદરા, તા.૨૧

શહેરના વાસણાથી ભાયલીને જાેડતાં રાણેશ્વર મહાદેવ મંદિર ચાર રસ્તા પર ફલાય ઓવરબ્રિજ બનાવવાની હાથ ધરાનારી કામગીરી સામે આજે સ્થાનિક રહીશો અને દુકાનદારોએ સૂચિત બ્રિજ સામે વિરોધ વ્યક્ત કરીને પ્લેકાર્ડ સાથે દેખાવો યોજ્યા હતા અને આ બ્રિજ બનવાથી સગવડની જગ્યાએ અગવડ થશે તેમ જણાવ્યું હતું.

વડોદરા પાલિકા દ્વારા તાજેતરમાં જ શહેરના ૬ જંકશનો પર ફલાય ઓવરબ્રિજ બનાવવાના કામને ડિઝઈનમાં ફેરફાર કરીને સિંગલ પિલર પર બ્રિજ બનાવવાના ઠરાવ સાથે મંજૂરી આપી હતી. જેમાં એક બ્રિજ વાસણા-ભાયલી રોડ રાણેશ્વર મહાદેવ મંદિરના જંકશન પર પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આજે આ સૂચિત બ્રિજની સામે સ્થાનિક રહીશો અને દુકાનદારો પ્લેકાર્ડની સાથે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને બ્રિજ બનાવવા સામે વિરોધ કર્યો હતો. પ્લેકાર્ડ પર ફલાય ઓવરબ્રિજની આડમાં થતા ભ્રષ્ટાચાર રોકો, વિકાસ કે વિનાશ? બ્રિજ અને ફલાય ઓવરને વિકાસ સમજતાં નેતા અને અધિકારીઓ તેવા સૂત્રો સાથે દેખાવો યોજ્યા હતા.બ્રિજનો વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું હતું કે, અહીં બ્રિજની જરૂર જ નથી તેના કરતાં દબાણો દૂર કરીને અને વોલ ટુ વોલ રોડ બનાવીને સમસ્યા નિવારી શકાય છે. બ્રિજ એ સમસ્યાનું નિરાકરણ નથી. બ્રિજ બનવાથી સગવડ નહીં અગવડ વધશે. જાે બ્રિજ રદ નહીં કરાય તો આંદોલન કરવાની ધમકી આપી હતી.