જેતપુર

જેતપુર તાલુકાના જેતલસર ગામે સગીરા સૃષ્ટિ રૈયાણીની એકતરફી પ્રેમી જયેશે છરીના 35 ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવના ઘેરા પડઘા સૌરાષ્ટ્રમાં પડ્યા છે. આ અંગે આજે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ જેતલસર પહોંચ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના આપી હતી. ભોગ બનનાર સગીરાને પુષ્પાજંલિ અર્પણ કરી તેમણે તેના પરિવારને આરોપીને કડકમાં કડક સજા અપાવવાની બાંયધરી આપતાં જણાવ્યું હતું કે ગામમાંથી ભયનું વાતાવરણ દૂર કરાશે. ઉલ્લેખનીય છે કે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સહિત શહેર પક્ષપ્રમુખ અને જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે હજુ તો શિક્ષણ મેળવવાની ઉંમરે આવી રીતે દીકરીની હત્યા થઈ જાય એ દુઃખદ છે. આવા બનાવોને કડક હાથે ડામી દેવા વર્તમાન ગુજરાત સરકાર કટિબદ્ધ છે. CMની સૂચનાથી રાજ્ય મંત્રી જયેશ રાદડિયા સતત મૃતક તરુણીના પરિવાર સાથે સંપર્કમાં છે. જેતલસરમાં એક પટેલ દીકરીની હત્યાથી આખા ગામમાં ભયનું વાતાવરણ ફેલાય ગયાનો અહેસાસ થાય છે, પરંતુ ગ્રામજનોએ ચિંતા કરવાની જરૂર નથી. ગામમાંથી ભયનું વાતાવરણ દૂર કરવા રાજકોટ જિલ્લા પોલીસવડા અને જેતપુર તાલુકા પોલીસના PSI સહિતની પોલીસને જરૂરી સૂચનાઓ, આદેશો કરી દેવાયાં છે.

સમગ્ર સૃષ્ટિ હત્યા કેસની સરકાર પાસે વિગતો, માહિતી છે. સરકાર સૃષ્ટિના પરિવારની પડખે છે. આ પરિવારે નિર્ભીકપણે જ્યાં પણ જરૂર પડે ત્યાં પોલીસને સહકાર આપવાનો છે. સૃષ્ટ્રિની હત્યામાં સંડોવાયેલા જયેશ ગિરધન સરવૈયા નામના ખાંટ ક્રિમિનલ માઇન્ડના આરોપીને કડક સજા થાય એ માટે સંબંધિત પોલીસે સજ્જડ સાંયોગિક પુરાવાઓ એકત્ર કરી લીધા છે. સરકારની મંજૂરી મળતાં હવે સૃષ્ટિ હત્યા કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવાશે. સરકારે સ્પેશિયલ પીપીની નિમણૂકની મંજૂરી પણ આપી દીઘી છે.