નડિયાદ : નડિયાદ ઇપ્કોવાલા હોલ ખાતે ગુજરાત રાજય યોગ બોર્ડ ધ્વારા આયોજીત યોગમય ગુજરાત અંતર્ગત યોગ સંવાદ ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.  

આ પ્રસંગે ખેડા, આણંદ અને વડોદરાના યોગ ગુરુઓ તથા યોગ ટ્રેનરોને સંબોધતા ચેરમેન શીશપાલ યાદવે જણાવ્યું હતું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિ છે. સમયાંતરે યોગ ભુલાતો જતો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે પ્રમોટ કરવામાં આવ્યાં. જેને સમગ્ર વિશ્વના દેશોએ સહર્ષ સ્વીકાર્યો હતો. હાલ વિશ્વની મોટા ભાગની વસ્તીએ જીવનમાં યોગનું મહત્વા સ્વીકાર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ યોગને પ્રાધાન્ય આપી ગુજરાત રાજય યોગ બોર્ડની સ્થાપના કરી અને ઘર ઘર યોગ પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો. ચેરમેન શીશપાલ યાદવે જણાવ્યું હતું કે, યોગને પુરી શ્રદ્ધાથી કરવામાં આવે તો યોગ વ્યકિતના વ્યક્તિત્વને દિપાવે છે. યોગ બાળક, યુવાન અને વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ કરી શકે છે. યોગ મનુષ્યાના જીવનને સાચી રીતે જીવવાની પધ્ધતિ સમજાવે છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાઓના સ્વામી પ્રવિણજીએ જણાવ્યું હતું કે, યોગ માટે ફક્ત સવારે થોડો સમય ફાળવવાથી વ્યક્તિ આખો દિવસ સ્વસ્થ રહી શકે છે. તે શારિરીક, માનસિક આપત્તિઓનો સરળતા અને સહજતાથી સામનો કરી ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં સંતુલન જાળવી શકે છે. વ્યક્તિના વિકાસ માટે યોગ આધારસ્તંભ છે. સ્વાઆમી મૃદિતવંદનાનંદજીએ જણાવ્યું હતું કે, વ્યક્તિના વ્યક્તિત્વને યોગ દ્વારા નિખારી શકાય છે. વ્યક્તિ શારિરીક, માનસિક અને આધ્યાત્મિક રીતે સંપર્ણ પૂર્ણતાને પામે છે. બાળકો બાળપણથી જ તેમના જીવનમાં યોગને વણી લે તો આગળ જતા તે બાળકો પોતાનો વિકાસ કરી સમાજ, દેશ અને કુટુંબમાં નામના-માન પામી શકે છે. શારિરીક-માનસિક સ્વસ્થતા જાળવી શકે છે.

જિલ્લા કલેકટર આઇ.કે. પટેલએ જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં શિક્ષિત વ્યક્તિઓ પણ યોગનું મહત્વા સ્વીકારતાં થયાં છે. શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં ગમે તેટલી ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી હોય, પરંતુ વ્યક્તિ પોતે સ્વસ્થ નહિ હોય તો તેનું કુટુંબ, સમાજ અને દેશ સ્વસ્થ નહિ રહે. શ્રેષ્ઠ ગુજરાત માટે સ્વસ્થ સમાજ ખુબ જ મહત્વનો છે. યોગથી શારિરીકની સાથે સાથે માનસિક સ્વસ્થતા પણ પ્રાપ્ત થાય છે. યોગ બોર્ડના ડિરેકટર ભાનુભાઇ ચૌહાણએ પુરાણોનો સંદર્ભ આપી યોગનું મહત્વ સમજાવ્યું હતું. ખેડા જિલ્લા યોગ કોચ પ્રદિપભાઇ દલવાડીએ સ્વાગત પ્રવચન કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.