વડોદરા : આ અખબારી અહેવાલ-તસવીરો આગળ કરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ-ખાઉધરા અધિકારીઓ-કર્મચારીઓ અને કલેકટર કચેરીના સંબંધિતો ધસી જશે અને અનટ્રીટેડ કેમિકલ વેસ્ટ છોડતાં ઉદ્યોગપતિઓ પાસેથી બે હાથે નહીં પરંતુ જેસીબી મશીનો દ્વારા રૂપિયા ઉલેચશે... પહેલાં પણ આવું જ થતું, આજે પણ આવું જ થાય છે અને ભવિષ્યમાં પણ આવું જ થવાનું છે. અખબારી અહેવાલના પગલે સ્થાનિક કલેકટર તથા ગાંધીનગરના મંત્રાલયમાંથી દબાણ છે એટલે પગલાં લેવા આવ્યા છીએ એવો દેખાવ થાય અને રૂપિયા ખિસ્સામાં સેરવી ટીમ ચુપચાપ રવાના થઈ જાય.માનવીના જીવન માટે સીધા ખતરારૂપ નંદેસરીનું જળ-વાયુ-ઝેરી કચરાનું પ્રદૂષણ માનવી માટે જેટલું જીવલેણ છે એનાથી અનેકગણું સરકારના સંબંધિત અધિકારીઓ-રાજકારણીઓ માટે રૂપિયા છાપતું મશીન છે. પરંતુ કરુણતા એ છે કે પ્રદૂષણને કારણે જીવ જાેખમમાં હોવાનું માનતા લોકોની ‘મન કી બાત’ સાંભળવા કોઈ શાસક પક્ષ મોટા મોટા ટીવી સ્ક્રીન લગાડી સમૂહમાં જાેવા-સાંભળવા એકઠા નહીં થાય, કારણ આમાં ક્યાં કોઈની ચાપલૂસી કરવાની છે!