લોકસત્તા વિશેષ તા. ૧૭

શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે જરુરી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી સહિત અન્ય કામગીરીથી દુર ભાગતા મ્યુ. કમિશનર અને વુડા ચેરમેન શાલિની અગ્રવાલ અચાનક ગોત્રી-સેવાસી રોડથી પાદરા-વડોદરા રોડને જાેડતા ૭૫ મીટર રીંગ રોડની કામગીરી તાત્કાલિક ચાલુ કરાવવા માટે ઉતાવળા બન્યા છે. જે માટે તેઓએ વુડામાં અધિકારીઓને આદેશ આપી ૧૦ દિવસમાં ટેન્ડર પ્રક્રિયા કરી ચોમસા પુર્વે રસ્તાની કામગીરી શરુ કરવાના આદેશ છોડ્યા છે. આ રસ્તામાં આવતી કેટલીક ટીપી સ્કીમના ડ્રાફ્ટને હજી સરકારે મંજુરી પણ આપી નથી. જ્યારે કેટલાકમાં હજી ગત મહિને જ મંજુરી મળી છે. આ ઉપરાંત આ રસ્તાનો મોટાભાગનો વિસ્તાર હવે કોર્પોરેશન હસ્તક આવે છે ત્યારે કોર્પોરેશન પાસે પ્રક્રિયા કરવાના બદલે વુડામાંથી આખો ખેલ પાડવાની ઉતાવળ કેમ કરાઈ રહી છે તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે છેલ્લા ૧૦ વર્ષથી ઈનર રીંગ રોડ તથા આઉટર રીંગ રોડની વાત થાય છે. ઈનર રીંગ રોડ એટલે ૭૫ મીટરનો વુડાનો સુચિત રસ્તો અને આઉટર રીંગ રોડ એટેલે ૯૦ મીટરનો વુડાનો સુચિત રસ્તો. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પ્રથમ તબક્કામાં ૭૫ મીટરના ઈનર રીંગ રોડને નેશનલ હાઈવ તથા ૩૦ મીટરના ઈનર રોડ સાથે કનેક્ટ કરવાની વાત વુડાના તત્કાલિન અધ્યક્ષ એન.વી. પટેલે કરી હતી. આ જાહેરાતને પણ લગભગ ૭ વર્ષ થઈ ગયા છે.

જેમાં હરણીથી શહેરમાં પ્રવેશતી નર્મદા કેનાલની સમાંતર બંને બાજુ મુકવામાં આવેલ ૩૦ મીટરના રસ્તાને સેવાસી સુધી ખુલ્લો કરાવી ત્યાં રસ્તાની કામગીરી પુરી કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. આ રસ્તો બનવાથી ઉત્તર-પૂર્વ વિસ્તારથી આવતા લોકોને પશ્ચિમમાં કે પાદરા તરફ જવા માટે શહેરમાંથી પસાર થવું પડતું હતું તેના બદલે તેઓ બારોબાર જઈ શકશે.

પરંતુ જે ટીપી સ્કીમોના રસ્તા ખોલવાની પ્રક્રિયા અગાઉ થઈ ચુકી છે માત્ર નજીવા દબાણો દુર કરી આખો ૩૦ મીટરનો રસ્તો ખુલ્લો કરી તેના પર બ્રિજનું આયોજન કરી કાર્યવાહી કરવામાં આવે તો વડોદરા શહેરની ટ્રાફિકની સમસ્યાને મોટો લાભ થાય તેમ છે. પરંતુ આ જુના ટીપી સ્કીમના રસ્તાને ખોલવાના બદલે વુડા ચેરમેન શાલિની અગ્રવાલે રાતોરાત ૭૫ મીટરના રીંગરોડને ખુલ્લો કરવા માટેની ઉતાવળે શરુ કરેલી કાર્યવાહીએ અનેક શંકા-કુશંકાઓ ઉભી કરી છે. ઉલ્લેખનીય છેકે અગાઉ વુડા અને કોર્પોરેશનમાં જંગલમાં રસ્તા બનાવવાના મુદ્દે મોટો વિવાદ થયો હતો ત્યારે આ વખતે ફરી જ્યાં વસ્તી નથી ત્યાં રસ્તા પાછળ કરોડો રૃપિયાનું આંધણ કોના લાભાર્થે કરાઈ રહ્યું છે તે અંગે શંકાઓ વહેતી થઈ છે.

ટેન્ડર માટે જીઓ કન્સલટન્ટને કામ સોંપાયું

૭૫ મીટરનો સુચિત ટીપી રસ્તો બનાવવા માટે વુડા ચેરમેન શાલિની અગ્રવાલે ટેન્ડર બનાવવા માટેના પણ આદેશ આપ્યા છે. જેમાં વુડાની પેનલ પર નક્કી કરાયેલા કન્સલટન્ટ પૈકી જીઓ કન્સલ્ટન્ટને ટેન્ડર બનાવવા માટેનું કામ સુપ્રત કરાયું છે. ઉલ્લેખનીય છેકે પેનલ પરના કન્સલટન્ટ પૈકી ટેન્ડર બનાવવા માટે ઓફર મંગાવી કામગીરી સુપ્રત કરવાની હોય છે. પરંતુ આ કિસ્સામાં અતિ ઉતાવળા બનેલા વુડા ચેરમેન શાલિની અગ્રવાલે એક સહી કરી આ આદેશ આપ્યા હોવાનું કહેવાય છે. આવી ઉતાવળ કોના માટે તે અંગે અનેક તર્કો વહેતા થયા છે.

કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખનો વિવાદ ટાળવા વુડામાં ખેલ પડ્યો?

૭૫ મીટરનો રીંગરોડ કોર્પોરેશનની હદમાંથી પણ પસાર થાય છે. જાે આ કામગીરી કોર્પોરેશન મારફતે કરાવવાની હોય તો કમિશનર જાતે ર્નિણય કરી શકતા નથી. આ માટે ટેન્ડર પ્રક્રિયા કરવા માટે સૌ પ્રથમ તેને કોર્પોરેશનના બજેટમાં મુકવાનું હોય છે. જાે બજેટ સિવાયની કામગીરી કરવી હોય તો તે માટે સમગ્ર સભા સમક્ષ જઈ તેની મંજુરી લેવાની હોય છે. ત્યાર બાદ ટેન્ડર પ્રક્રિયા કરી તેને ફરી મંજુરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવાનું હોય છે. આ તમામ પ્રક્રિયામાં કોર્પોરેશનના ૭૬ કોર્પોરેટરોની આંખમાંથી ફાઈલ પસાર કરવી પડે જેમાં વિવાદ થાય તેમજ આ રસ્તો કરવા પાછળનો સાચો ઈરાદો સામે આવી જાય તેના બદલે વુડામાંથી આ ખેલ પાડવાનો કારસો રચાયો હોવાનું કહેવાય છે.

આ રસ્તો ખુલ્લો કરવાની નોટીસ આપવા વુડાનો કોર્પોરેશનને પત્ર

વુડા દ્વારા તૈયાર કરવામાં આવેલી ટીપી સ્કીમ નંબર ૨૪-એ, ૨૪-બી તથા ભાયલી-૫ પૈકીનો કેટલોક વિસ્તાર ગત વર્ષે કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. ત્યારે ૭૫ મીટરનો રસ્તો ખુલ્લો કરવા માટેની આખી પ્રક્રિયામાં કોર્પોરેશન હસ્તકના ગામો માટે કોર્પોરેશને નોટીસ આપવી પડે. જેથી વુડાએ કોર્પોરેશનને એક પત્ર લખી આ રસ્તા ખુલ્લા કરવા નોટીસો આપવા જાણ કરી છે.

ટીપીના નિયત પ્રોસેસને તોડવાના આદેશ કેમ અપાયા?

ટીપી સ્કીમની પ્રક્રિયા મુજબ ડ્રાફ્ટ ટીપી સ્કીમને રાજ્ય સરકારની મંજુરી બાદ રસ્તા ખોલવાની પ્રક્રિયા કરી શકાતી હોય છે. પરંતુ આ પ્રક્રિયામાં સૌ પ્રથમ ડ્રાફ્ટ ટીપી સ્કીમની મંજુરી સાથે તેમાં જરુરી સુધારા કરવા માટે રાજ્ય સરકારે આપેલા આદેશ મુજબ જમીનમાલિકોને નોટીસ આપી બોલાવવામાં આવે છે. જે સુધારા થયા બાદ રસ્તા ખોલવા માટેની નોટીસો આપવામાં આવે છે. જેમાં જમીનમાલિકો માટે સુનવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જે બાદ જમીન માલિકીની સંમતિથી સૌ પ્રથમ રસ્તા ખોલવાની પ્રક્રિયા થાય છે. આ કિસ્સામાં આવી પ્રક્રિયા શરુ થાય તે પૂર્વે જ રસ્તાના ટેન્ડર માટેના આદેશ આપવામાં આવ્યા ત્યારે આ કિસ્સામાં વુડા ચેરમેને ટીપીના નિયમો તોડીને પ્રોસેસ કરવાની ઉતાવળ કેમ દાખવી છે તે ચર્ચાનો વિષય છે.

કઈ ટીપી સ્કીમમાંથી રસ્તો પસાર થાય છે? તેની સ્થિતિ શું છે?

ટીપી સ્કીમ નંબર ક્યા ગામનો સમાવેશ? ટીપી સ્કીમની વર્તમાન સ્થિતિ? ક્યા સત્તા મંડળની હસ્તક

૨૪-એ સેવાસી, ખાનપુર, અંકોડીયા, મહાપુરા ૧૫ દિવસ પૂર્વે રાજ્ય સરકારે સેવાસી વડોદરા મ્યુ કોર્પોરેશન હસ્તક

  ડ્રાફ્ટ ટીપી સ્કીમ મંજુર કરી જ્યારે ખાનપુર, મહાપુરા, અંકોડીયા વુડા હસ્તક

૨૪-બી ભાયલી, ગોકળપુરા, રાયપુરા ડ્રાફ્ટ ટીપી સ્કીમ મંજુર થયેલ ભાયલી વડોદરા મ્યુ. કોર્પોરશન હસ્તક જ્યારે

  નથી. રાજ્ય સરકારમાં પેન્ડીંગ છે. ગોકળપુરા અને રાયપુરા વુડા હસ્તક

૫ ભાયલી, બીલ, સમીયાલા ડ્રાફ્ટ મંજુર ભાયલી અને બીલ વડોદરા મ્યુ. કોર્પોરેશન હસ્તક

   જ્યારે સમીયાલા વુડા હસ્તક

બોર્ડની મંજૂરીની અપેક્ષાએ કાર્ય શરૂઃઉતાવળ કેમ?

શહેરને ફરતા રીંગરોડ પૈકી ૭૫ મીટરના સુચિત રસ્તાને ખુલ્લો કરી ત્યાં રસ્તાની કામગીરી માટેની પ્રક્રિયા કરતા પહેલા વુડાના બોર્ડની સૈધ્ધાંતિક મંજુરી મેળવવી જરુરી છે. આ ઉપરાંત આ રસ્તાનો મોટાભાગનો વિસ્તાર કોર્પોરેશન હસ્તક હોઈ વુડાએ કોર્પોરેશન પાસેથી પણ જરુરી મંજુરી લેવાની હોય છે. પરંતુ આ કિસ્સામાં તમામ પ્રક્રિયા ઉતાવળે શરુ કરી બોર્ડની મંજુરીની અપેક્ષાએ સમગ્ર કામગીરીની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.