લખનઉ-

તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા સમાજવાદી પાર્ટી (સપા) ના માર્ગદર્શક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની હાલત સ્થિર છે. પેશાબની નળીમાં ઇન્ફેકશન લાગતાં ગુરુવારે મોડી રાત્રે યાદવને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે રાત્રે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ હોસ્પિટલમાં ગયા હતા અને યાદવના હાલચાલ પૂછ્યા હતા. મેદાંતાના ડિરેક્ટર ડો.રાકેશ કપૂરે જણાવ્યું કે યાદવને ગુરુવારે મોદી રાત્રે 12.30 વાગ્યે ઇન્ફેકશન લાગવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણને લઈને તેમનો પણ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે નેગેટીવ આવ્યો છે. 

તેમણે જણાવ્યું હતું કે ડોકટરોની કડક દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે અને હાલ તેમની હાલત સ્થિર છે. તેની અલ્ટ્રાસાઉન્ડ અને લોહી અને પેશાબ માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ શુક્રવારે રાત્રે મેદંતા હોસ્પિટલમાં તેમના પિતાને મળવા ગયા હતા. તેમની સાથે તેમની પત્ની ડિમ્પલ યાદવ પણ હતા.