વડોદરા-

સોના કે હીરા મોતીના દાગીનાને આપણે સહુ જીવની જેમ સાચવીએ છે પરંતુ જેના લીધે જીવન છે તેવા, માનવ શરીરના સોના કરતાં પણ અમૂલ્ય હૃદય, કિડની, ફેફસાં જેવા અંગોને સાચવવામાં આપણે કોચરાઈ દાખવીએ છે. સયાજી હોસ્પિટલના, કિડનીની નિષ્ફળતા કે ઘટી ગયેલી કાર્યક્ષમતાના વિકલ્પે લોહીના શુદ્ધિકરણની સેવા આપતાં ડાયાલિસિસ વિભાગનું છેલ્લા ૧૫ વર્ષથી નેતૃત્વ કરી રહેલા એસોસિયેટ પ્રોફેસર ડો.અજય ડાભી કહે છે કે, સંયમિત આહાર વિહાર અને પૂરતું પાણી પીવા જેવી કાળજી લઈને કિડની આજીવન સાચવવી ખૂબ જરૂરી છે અને જો તેમાં કોઈ મુશ્કેલી જણાય તો તુરંત નિદાન કરાવવું કાળજીપૂર્વક સારવાર લેવી અનિવાર્ય છે.

ભગવાને શરીરમાં બે કિડની આપી છે પરંતુ આ અવયવનો આમ તો કોઈ વિકલ્પ નથી અથવા અન્ય વ્યક્તિની કિડની જ વિકલ્પ છે.તબીબે વિજ્ઞાને તેના માટે એક કૃત્રિમ અને યાંત્રિક વિકલ્પ ડાયાલિસિસ નો શોધ્યો છે. પરંતુ શક્ય હોય ત્યાં સુધી કિડની બગડતી અટકાવવાની કાળજી લેવી એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.કોરોના કાળમાં પણ સયાજી હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગે સતત કિડનીના નોન કોવિડ અને કોવિડ થયો હોય તેવા દર્દીઓને આ સેવા પૂરી પાડી છે.

આમ આદમી ની ભાષામાં કહીએ તો કિડની એ માનવ શરીરમાં લોહીને શુદ્ધ રાખવાનું કામ કરતી ગરણી છે અથવા લોહી શુદ્ધ રાખવાનો આર.ઓ. પ્લાન્ટ છે તેવી લાગણી વ્યકત કરતા ડો.અજય ડાભીએ જણાવ્યું કે, અમારા વિભાગે કોરોના કાળની વાત કરીએ તો માર્ચ ૨૦૨૦ થી વર્તમાન જૂન ૨૧ સુધીમાં ૯,૦૫૩ નોન કોવિડ અને ૮૩૫ કોવિડગ્રસ્ત કિડની દર્દીઓને સતત ડાયાલિસિસની સેવાઓ આપી છે. વિગતવાર માહિતી આપતાં કોરોના સુવિધાના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે, કોવિડ દરમિયાન જ્યારે અન્ય ઘણાં વિભાગોમાં રોજિંદી કામગીરી ઘટી ગઈ હતી ત્યારે ડાયાલિસિસ વિભાગમાં નોન કોવિડ ની સાથે કોવિડ કિડની દર્દીઓ માટે વિશેષ ડાયાલિસિસ વ્યવસ્થાની કામગીરી વધી હતી.આ વિભાગે ૨૦૨૦માં નોન કોવિડ ૬,૪૦૭ દર્દીઓ એટલે કે માસિક સરેરાશ ૫૩૪ દર્દીઓનું અને માર્ચ થી ડિસેમ્બર-૨૦૨૦ સુધી ૩૫૯ કોવિડ કિડની દર્દીઓનું એટલે કે સરેરાશ માસિક ૩૫ દર્દીઓનું ડાયાલિસિસ કર્યું હતું.

જ્યારે ૨૦૨૧ના જાન્યુઆરી થી જૂન સુધીમાં ૨,૬૪૬ નોન કોવિડ અને ૩૦૧ કોવિડ કિડની દર્દીઓનું ડાયાલિસિસ કર્યું હતું. બીજી લહેરની એપ્રિલ મે ની પિકમા ડાયાલિસિસની જરૂરવાળા કિડની દર્દીઓની સંખ્યા સહુથી વધુ રહી હતી.યાદ રહે કે, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ રાજ્યના વિવિધ શહેરોમાં કિડનીના રોગીઓને શક્ય તેટલી નજીક ડાયાલિસિસ સેવાઓ મળી રહે તેવા હેતુસર સરકારી હોસ્પિટલોમાં ડાયાલિસિસની વ્યવસ્થા કરી છે.સયાજી હોસ્પિટલમાં ૧૩ જેટલા અદ્યતન ડાયાલાઈઝર યંત્રો ઉપલબ્ધ છે જે પૈકી કોરોના સારવાર વિભાગમાં ૩ યંત્રોનું ખાસ એકમ બનાવવામાં આવ્યું છે. જ્યારે ૧૦ યંત્રોની મદદથી ચેપમુકત વાતાવરણમાં નોન કોવિડ દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં શુદ્ધ પાણીની જરૂર પૂરી કરવા પ્રત્યેક યંત્ર સાથે આર.ઓ. જોડવામાં આવ્યા છે. ખૂબ ગંભીર દર્દીઓનું મોનીટરીંગ હેઠળ ડાયાલિસિસ થઈ શકે તે માટે આઇસીયુમાં પણ તેની સુવિધા રાખવામાં આવે છે.

૧૯૯૨માં મેડીસિન વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો.એમ.સી.પરમારે એક સહકારી બેંકની મદદ થી, હિમોડાયાલીસિસની સુવિધા સયાજી હોસ્પિટલમાં શરૂ કરી તે પછી ચાર દાયકાથી અદ્યતન સેવા દર્દીઓને મળી રહી છે.માનવ શરીરની કિડની એક કુદરતી ગરણી છે જે સતત શરીરમાં ફરતા લોહીમાંથી ક્રીએટીનીન, એમોનિયા, યુરિયા જેવી હાનિકારક અશુદ્ધિઓ ગાળીને શરીરને શુદ્ધ લોહીનો પુરવઠો પૂરો પાડે છે. માનવ શરીરની જ્યારે બંને કિડનીઓ આ કામ ના કરી શકે ત્યારે કૃત્રિમ ગરણી જેવા ડાયાલિસિસ યંત્રની મદદ લેવી પડે છે. હવે અન્ય વ્યક્તિ દ્વારા કિડની દાનનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે.માનવ શરીરમાં અંદાજે ૫૦૦૦ ml લોહી હોય છે. ઉપરોક્ત યંત્ર પ્રતિ મિનિટ ૨૦૦ થી ૪૦૦ મિલી પ્રમાણે ૧૫ થી ૨૦ મિનિટમાં બધું લોહી શુદ્ધ કરીને શરીરને પાછું આપે છે. ડાયાલિસિસની એક સાયકલ લગભગ ચાર કલાકે પૂરી થાય છે. કિડનીના રોગની ગંભીરતા અનુસાર દર્દીને અઠવાડિયામાં એક વાર, આંતરે દિવસે ડાયાલિસિસ કરાવવાની સલાહ આપવામાં આવે છે. ગંભીરતા ખૂબ વધી જાય ત્યારે રોજ ડાયાલિસિસ કરાવવું પડે એવી સ્થિતિ પેદા થાય છે. એટલે અજોડ કિડનીની બેજોડ કાળજી લેવી એ શ્રેષ્ઠ ઉપાય છે. આજે ડોક્ટર્સ ડે છે ત્યારે કોરોના કે નોન કોરોનાના ભેદ વગર કિડનીના રોગીઓની ડાયાલિસિસ સેવા કરતા ડો.અજય ડાભી અને તેમની ટીમ લાખ લાખ સાધુવાદને પાત્ર છે.