સુરત-

સુરત શહેરમાં બેકાબુ બનેલા કોરોનાની ચેઇન બ્રેક કરવા માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા શનિવારે સવારના 6 કલાકથી સોમવારે સવારે 6 કલાક સુધી " જનતા શિસ્ત " સ્વરૂપે લોકોને સ્વૈચ્છીક લોકડાઉન પાળવાની અપીલ કરવામાં આવી હતી.આ અપીલના પગલે સુરત શહેરના રિંગ રોડ સહીત વિવિધ વિસ્તારોમાં આવેલી અનેકવિધ ટેક્સ્ટાઇલ માર્કેટો અને શહેરના મહિધરપુરા અને વરાછા વિસ્તારમાં હીરાની બજારો શનિવાર સવારથી જ બંધ જોવા મળી હતી. જોકે, આ સ્વયંભૂ બંધ અંગે ચેમ્બર અને અન્ય 150 સંસ્થાઓ દ્વારા આમ જનતાને જે અપીલ કરવામાં આવી હતી તેની કોઈ ખાસ અસર લોકો પર પડી નથી.શહેરના લગભગ તમામ વિસ્તારોમાં આ લખાઈ રહ્યું છે ત્યારે જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. ટેક્સ્ટાઇલ અને હીરા ઉદ્યોગ સિવાયના તમામ અન્ય વ્યવસાય રાબેતા મુજબ ચાલી રહ્યા છે અને શહેરના વિવિધ માર્ગો પર પણ ટ્રાફિક રાબેતા મુજબ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરત હીરા ઉદ્યોગના પ્રોડક્શન યુનિટો આ સ્વૈચ્છીક બંધમાં ન જોડાય હોઈને તે શનિવાર સવારથી જ રાબેતા મુજબ ચાલી રહ્યા છે.શહેરની વિવિધ હીરાબજારોમાં પણ દલાલી સાથે સંકળાયેલા લોકોની પણ અવરજવર પર કોઈ મોટી ખાસ અસર જોવા મળી ન હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.બીજી તરફ સુરત શહેરના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ફોગવા સહિતના સંગઠનોએ બે દિવસ માટે વીવિંગ ઉદ્યોગ બંધ રાખવાની અપીલ કરી હતી.પરંતુ, શનિવારે સવારથી જ શહેરના ખટોદરા સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા વીવિંગ યુનિટો રાબેતા મુજબ ધમધમી રહ્યા છે.