રાજ્યમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે ગુજરાત સરકારને 2 સપ્તાહમાં તમામ હોસ્પિટલોનો ફાયર ઓડિટ રિપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યો છે. આ સાથે સરકારે સુપ્રિમ કોર્ટના આદેશોની અવમાનના કરીને કામગીરી કરી હોવાનું પણ કહ્યું છે. ગુજરાતમાં ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલો હાઈકોર્ટ પહોંચી હતી. ત્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે, હાલ આ હોસ્પિટલો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય. આ મુદ્દાને લઈને જસ્ટિસ શાહે સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે, જ્યારે સુપ્રિમ કોર્ટ આ અંગે કાર્યવાહી કરવાનું કહેતી હોય તો ગુજરાત સરકાર કઈ રીતે કોર્ટની અવમાનના કરીને આ પ્રકારની છૂટછાટ આપી શકે ? સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી એક સુઓમોટો અરજીની સુનવણી દરમિયાન કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ગુજરાત સરકાર એવી છબી ઉભી ન કરે કે તેઓ હોસ્પિટલોને બચાવી રહ્યા છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને તમામ હોસ્પિટલોના ફાયર ઓડિટનો રિપોર્ટ 2 સપ્તાહમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.