અંબાજી,તા.૨૧ 

કોરોનાને કાબુમાં લેવા બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેની સુચના અનુસાર જિલ્લામાં ૩૧ ધન્વંતરી આરોગ્ય રથ લોકોને ઘેર આંગણે જઇ સારવાર પુરી પાડી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારનાં લોકોને ઘેરબેઠા દવા-સારવાર આપવા માટે ૨૫ ધન્વંતરી આરોગ્ય રથ હાલ ગામડા ખુંદી રહ્યા છે. જયારે પાલનપુર શહેરમાં ૪ અને ડીસા શહેરમાં ૨ એમ મળી કુલ- ૩૧ ધન્વંતરી આરોગ્ય રથનાં માધ્યમથી લોકોને તાવ, શરદી, ઉધરસ અને અન્ય રોગનાં દર્દીઓને દવા તેમજ સારવાર આપવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસર ર્ડા. એન. કે. ગર્ગે જણાવ્યું કે, મેડીકલ ઓફીસર અને પેરા મેડીકલ સ્ટાફથી સજ્જ એક ધન્વંતરી રથ દિવસના ૭૦થી ૮૦ લોકોના આરોગ્યનું ચેકીંગ કરે છે. અત્યાર સુધીમાં જાહેર કરાયેલા તમામ કન્ટેઇનમેન્ટ ઝોનની આ રથોએ મુલાકાત લીધી છે. આ ધન્વંતરી રથની સરેરાશ દરરોજ ૨,૪૮૦ જેટલી ઓપીડી થાય છે. હોટસ્પોટ જાહેર કરાયેલ વિસ્તારોમાં પ્રિવેન્ટીવ એક્ટીવીટી પણ કરાઇ છે. આ રથ ક્યા ગામમાં ક્યારે પહોંચશે તેની જાણકારી સબંધિત ગામનાં આરોગ્ય વર્કર તેમજ આશા બહેનને અગાઉથી આપવામાં આવે છે. જેથી ગ્રામજનોને તેની જાણકારી મળી રહે છે અને લોકો આ સેવાનો લાભ લે છે. ધન્વંતરી આરોગ્ય રથ મોબાઇલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગરજ સારે છે. કોરોનાના સમયમાં દવાખાને ન જતાં લોકોને તેમનાં ગામમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડાની સારવાર સાથે બલ્ડપ્રેશર અને ડાયબીટીસનું ચેકીંગ પણ કરવામાં આવે છે. ઊપરાંત મેલેરીયા કે અન્ય બિમારીની તપાસણી કરી દવા-સારવાર આપવામાં આવે છે અને જરૂર જણાયે રીફર કરવામાં આવે છે. આ ધન્વંતરી આરોગ્ય રથમાં ટેમ્પ્રેચર ગન, સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્સિમીટર સહિતના સાધનોની સાથે સાથે જરૂરી દવાઓ તથા ઈમ્યુનિટી બુસ્ટઅપ માટેની હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક ઉકાળાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. કોરોનાનાં સંક્રમણને ફેલાતું અટકાવવા માટે ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા ૬૦ વર્ષથી વધુ ઉંમરનાં વડીલો તેમજ ૧૦ વર્ષથી નાના બાળકો અને છેવાડાનાં ગામડામાં રહેતાં લોકોને ઘેરબેઠા સારવાર મેળવવા સહિતની બાબતોને ધ્યાને લઇ આ રથ કાર્યરત કરવામાં આવ્યા છે. જે લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.