બાલાસિનોર : દિવાળીના તહેવાર બાદ અચાનક સમગ્ર ગુજરાત સહિત મહીસાગર જિલ્લો અને બાલાસિનોરમાં કોરોના વિસ્ફોટક બન્યો છે, જેને નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા વિવિધ ગાઇડલાઇનનો બહાર પાડી તેની અમલવારી કરવા અવારનવાર જાહેરાતો કરી હતી. વેપારીઓ અને નગરજનોને જણાવવામાં આવ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખો અને માસ્ક પહેરી ઘરની બહાર નીકળવું. છતાં પણ મોટાભાગના નગરજનો અને વેપારીઓ દ્વારા ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. કોરોના મહામારીને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેમ નજરે પડતાં હતાં. અત્યાર સુધી ઘોરી રહેલાં તંત્રને પણ જાણે હવે ડહાપણ ડાઢ ફૂટી હોય તેમ રાતોરાત કાર્યવાહીનો આરંભ કરી દીધો છે. બાલાસિનોર પ્રાંત અધિકારી વિમલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ, બાલાસિનોર નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ બનાવી નગરમાં માસ્ક વગર ફરતાં લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ દુકાનદારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવામાં આવતાં નગરનાં મેડિકલ સ્ટોર, ફોનની દુકાન, કાપડની દુકાન, જનરલ સ્ટોર સહિતની પાંચ દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. તંત્રની આવી અચાનક કાર્યવાહીથી નગરના બીજા વેપારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. 

કોરોનાને ખુલ્લું આમંત્રણ કોણ આપી રહ્યું છે?

કોરોના જેવા જીવલેણ વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે, જેને લઇ સરકાર દ્વારા વિવિધ પગલાં ભરી વાયરસને નાથવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. કેટલાંક નગરજનો અને વેપારીઓ દ્વારા જાણે કે જીવલેણ રોગને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેમ સરકારની ગાઇડલાઇનનું પાલન કર્યા વિના દુકાનોમાં ભારે ભીડ એકઠી કરી વેપાર ધંધો ચલાવવામાં આવં રહ્યો છે. બીજી તરફ કેટલાંક નગરજનો દ્વારા માસ્ક પહેરવાની દરકાર કરવામાં આવતી નથી.

બાલાસિનોરમાં કઈ-કઈ દુકાનો સીલ કરાઇ?

- યસ મેડિકલ સ્ટોર, મિલન પ્લાઝા

- ફોન વાલે, વિરપુર રોડ

- ગીતાંજલી સાડી સેન્ટર, મિલન પ્લાઝા

- લાલા કટલેરી સ્ટોર, લુહારવાળા, મેઇન બજાર

- સર્વોદય જનરલ સ્ટોર, રાજપુરી દરવાજા